________________
૩૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
સર્વ ભવ્ય પ્રાણીરૂપ લૉકની અપેક્ષાએ નહીં. કારણ કે ભવ્યોમાં પણ જે ‘જાતિભવ્ય' આદિ હોય છે. તેઓનો યોગ-ક્ષેમ ભગવંતથી પણ થઈ શકતો નથી. જો તેમ થાય તો સર્વેનો મોક્ષ થઈ જાય. પણ ભગવંત તેવા ભવ્ય પ્રાણીઓના યોગ-ક્ષેમ કરનારા નાથ થઈ શકતા નથી. ભગવંત તો જેમનામાં ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થવાથી બીજા ભવ્ય જીવોની અપેક્ષાએ જેઓ ભિન્ન છે, તેમના નાથ થઈ શકે છે.
૦ તોદિગાનં – લોકનું હિત કે કલ્યાણ કરનારાઓને,
લોકનું હિત કરે તે ‘લોકહિતકર' તેઓને. ‘લોકહિતકર અરિહંતોને મારા નમસ્કાર થાઓ' એવો અર્થ અહીં સમજવો.
અહીં ‘‘લોક'' શબ્દથી વ્યવહાર રાશિમાં આવેલો સર્વ પ્રાણિવર્ગ સમજવાનો છે. ‘‘હિત' એટલે આત્મહિત કે કલ્યાણ. અરિહંત પરમાત્મા સમ્યક્ પ્રરૂપણા વડે વ્યવહાર રાશિમાં આવેલા સર્વ પ્રાણિવર્ગનું કલ્યાણ કરે છે. ‘લોક' અર્થાત્ એકેન્દ્રિયાદિ પ્રાણિ વર્ગ. તેનું હિત અર્થાત્ આત્યંતિક રક્ષા. જે પ્રકર્ષ પ્રરૂપણા દ્વારા શક્ય બને છે.
-
-
‘લોક’ શબ્દથી અહીં ચૌદરાજલોકગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વ્યવહાર રાશીના સર્વે જીવો સમજવા. ભગવંત સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને તે સર્વ જીવોનું સ્વથી કે પરથી થતા દુઃખોથી રક્ષણ કરે છે. માટે વ્યવહાર રાશીના સર્વ જીવોરૂપ લોકના હિતકારક કહ્યા. (ચૈત્યવંદન મહાભાષ્ય આદિમાં ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયના સમૂહરૂપ ચૌદ રાજલોકના સ્વરૂપનો ઉપદેશ કરનાર હોવાથી તેઓને લોકનું હિત કરનારા એમ કહ્યા છે.)
૦ લલિત વિસ્તરામાં લોક શબ્દના બે અર્થ બતાવ્યા છે (૧) સાંવ્યવહારિક આદિ પ્રકારમાં વહેંચાયેલ પ્રાણિલોક. (૨) પંચાસ્તિકાય સ્વરૂપ સઘળો લોક. અહીં અલોકનો પણ લોકમાં જ સમાવેશ છે. કેમકે આકાશાસ્તિકાય એ લોક અલોક ઉભય સ્વરૂપ છે. આવા પ્રકારના લોકને હિતરૂપ.
-
૦ લઘુ દૃષ્ટાંત ભરતક્ષેત્રના છ એ ખંડની સાધના કરી પાછા આવેલા ભરત ચક્રવર્તીએ પોતાના અટ્ઠાણું ભાઈઓને દૂત મોકલીને સંદેશો આપ્યો કે મારી આજ્ઞાનો તમે સ્વીકાર કરો. તેઓએ ઉત્તર આપ્યો કે તને પણ પિતાએ રાજ્ય આપ્યું છે અને અમને પણ પિતાએ રાજ્ય આપ્યું છે. અમે પિતાને પૂછીશું. તેઓ જેમ કહેશે તેમ કરીશું. બધાં ભાઈઓ ભેગા થઈને ભગવંત પાસે ગયા. ભગવંતને પૂછયું, ત્યારે ભગવંતે તેઓને ભોગથી નિવર્તવા માટે ધર્મ ઉપદેશ કહ્યો. મુક્તિ સમાન કોઈ સુખ નથી તેમ જણાવ્યું.
ત્યારપછી ઋષભદેવ ભગવંતે તેમને અંગારદાહકનું દૃષ્ટાંત આપ્યું. દૃષ્ટાંતનો ઉપનય કરતા ભગવંતે મનુષ્યલોકના અશુચિમય, અલ્પકાલિક, તુચ્છ, વિરસ કામભોગોની પ્રરૂપણા કરી ત્યારે અટ્ઠાણુ ભાઈઓ તેથી સમ્યગ્ બોધ પામ્યા. તે બધાંએ દીક્ષા ગ્રહણ કરી.
--