________________
નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન
૨૫૫
શ્લોકમાં વિનયનું સ્વરૂપ જણાવતા કહ્યું છે કે, ગુરુની બહુ નજીકમાં પડખેઆજુબાજુ બેસવું નહીં, સન્મુખ કે પગ અડાડીને બેસવું નહીં, પાછળ અડીને બેસવું નહીં, ઢીંચણ છાતી સાથે રાખી હાથ બાંધીને બેસવું નહીં, પગ ફેલાવીને બેસવું નહીં, શય્યામાં રહીને ગુરુને પ્રશ્નો ન પૂછવા કે ઉત્તર ન આપવા. ગુરની પાસે જઈને નમ્રતાપૂર્વક પ્રશ્નોત્તર કરવા, વાક્ય સાંભળતા જ ઉભા થઈને ગુરની પાસે જઈને વિનયપૂર્વક ઉભા રહી સાંભળવું ઇત્યાદિ.
(૩) વહુનાઓ - બહુમાનને વિશે
જ્ઞાનાચારનો આ ત્રીજો આચાર છે. બહુમાન એટલે આંતરિક પ્રીતિ રાખવી તે. ગુરુ-જ્ઞાન તથા જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ હોવો તેને બહુમાન કહે છે.
- દશવૈકાલિક સૂત્ર વૃત્તિમાં કહ્યું છે કે, શ્રતગ્રહણ માટે ઉદ્યત થયેલાએ ગુરુનું બહુમાન કરવું જોઈએ. બહુમાન એટલે અંતરના ભાવપૂર્વકનો પ્રતિબંધ. આમ કરવાથી મૃતનું અધિક ફળ પ્રાપ્ત થાય છે.
– પ્રવચન સારોદ્ધારમાં પણ કહે છે કે, આંતરિક ચિત્ત પ્રસન્નતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, અબહુમાનપૂર્વક ન કરવો જોઈએ.
- વૃત્તિકાર મહર્ષિ તથા ગ્રંથકારો બહુમાનની વ્યાખ્યા કરતા તેની તુલના વિનય સાથે કરે છે – વિનય બાહ્ય રીતે પણ થઈ શકે છે, એટલે આંતરિક ભાવની આવશ્યકતા દર્શાવવાને માટે “બહુમાન'નો જુદો ભેદ બતાવેલ છે. ગુરુ પ્રત્યે અંતરથી પૂર્ણ સદ્ભાવ, પૂર્ણ પ્રીતિ કે પૂર્ણ આદર એ “બહુમાન'નું સ્વરૂપ છે.
વિનય અને બહુમાનની ચતુર્ભગી રજૂ કરતા શાસ્ત્રકાર કહે છે – (૧) વિનય હોય પણ બહુમાન ન હોય, (૨) બહુમાન હોય પણ વિનય ન હોય, (૩) વિનય અને બહુમાન બંને હોય, (૪) બંનેનો અભાવ હોય. આ ચારે ભેદોમાં ત્રીજો ભેદ ઉત્કૃષ્ટ છે, પહેલો-બીજો ભેદ મધ્યમ છે, ચોથો ત્યાજ્ય છે.
વિનય અને બહુમાન બંનેને આશ્રીને ઉપદેશપ્રાસાદમાં કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આપેલ છે. પાટણમાં કુમારપાળ નામે રાજા હતો. તે જિનેન્દ્રોના કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતો. તેથી તેણે જ્ઞાનના એકવીશ ભંડાર કરાવ્યા હતા. ત્રેસઠ શલાકા પુરુષોના ચરિત્રોને સાંભળવાની ઇચ્છાથી હેમચંદ્રાચાર્યજીને પ્રાર્થના કરીને ૩૬,૦૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની રચના કરાવી. તેને સુવર્ણ અને રૂપાના અક્ષરે લખાવીને પોતાના મહેલે લઈ ગયો. જાગરણ કરી, પ્રાતઃકાલે પટ્ટહસ્તી પર પધરાવી તેના પર અનેક છત્ર ધારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોંતેર ચામરથી વીંઝાતા મોટા ઉત્સવપૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ રત્નાદિથી પૂજા કરી. પછી બોંતેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળ્યું.
એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગો વગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણાદિના અક્ષરોથી લખાવી, ગુરુ મુખે વ્યાખ્યાન સાંભળ્યું. આ રીતે વિનય