________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
અને ત્રસકાય એ બધાને સારી રીતે જાણીને જયણાપૂર્વક વિચરે છે.
અરિહંત પરમાત્મા કુહાડા કે ચંદનમાં સમાન વૃત્તિવાળા હોય છે. જેથી કુહાડાની જેમ અપકારક અને ચંદનના લેપનની જેમ ઉપકારક પર અરિહંત વેષ કે રાગ કરતા નથી પણ સમાન અધ્યવસાયવાળા રહે છે. તૃણ હોય કે મણિ, પત્થર હોય કે સુવર્ણ અરિહંત પરમાત્મા સમાન વૃત્તિવાળા હોય છે. સુખ કે દુઃખને સમાન ભાવે સહેનારા હોય છે. આલોક કે પરલોકમાં ભગવંતને આસક્તિ હોતી નથી. જીવન અને મરણની આકાંક્ષાથી રહિત હોય છે. કર્મરૂપી શત્રુઓનો નાશ કરવાને ઉદ્યત રહે છે.
અરિહંત ભગવંત કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યત ઉલૂટૂક આદિ આસને બેસીને ધ્યાન કરે છે. ઊંચ-નીચે કે આસપાસ લોકમાં સ્થિત દ્રવ્ય-પર્યાયને ધ્યાનનો વિષય બનાવે છે. અસંબદ્ધ વાતોથી દૂર રહીને આત્મસમાધિમાં કેન્દ્રિત રહે છે. ક્યારેય પ્રમાદ કરતા નથી.
• અરિહંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ :
ઉપરોક્ત પ્રકારે અણગાર ભાવ ધારણ કરેલા, પ્રતિબંધરહિત રહેલા અને સંયમવૃત્તિનું અનુપાલન કરી વિચરતા અરિહંત પરમાત્માને પરીષહ-ઉપસર્ગ સહન કરતા તેમજ અસાધારણ ગુણો વડે આત્માને ભાવિત કરતા - અનુત્તર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વસતિ, વિહાર, વીર્ય-પરાક્રમ, આર્જવ, માર્દવ, લાઘવ (દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગારવરહિતપણું), શાંતિ, મુક્તિ (લોભ રહિતતા), ગુણિ, તુષ્ટિ, સત્ય-સંયમ, તપને સારી રીતે આચરવાપણું ઇત્યાદિ વડે નિર્વાણ માર્ગની સાધના કરતા કરતા, આત્મધ્યાનમાં લીન બનેલા હોય છે ત્યારે અનંતવસ્તુના વિષયવાળું અનુત્તર, અનુપમ, આવરણરહિત, અખંડ, પ્રતિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે.
છાઘસ્થિક કર્મોનો ક્ષય થતા અરિહંતો જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી તથા અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને યોગ્ય બને છે, તેઓ નરક, તિર્યગુ, મનુષ્ય અને દેવલોકના સમસ્ત પદાર્થોને જોવા અને જાણવા લાગે છે. જેમકે - કોઈની પણ આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ, ભોજન, ક્રિયા, સેવન, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, સર્વકાળના મન, વચન, કાયાની પ્રવૃત્તિ ઇત્યાદિ. જીવના સર્વ ભાવો, અજીવના સર્વ પર્યાયોને અરિહંત જુએ છે અને જાણે છે.
• સમવસરણ - તીર્થ સ્થાપના :
સામાન્ય વર્ણન - જ્યારે અરિહંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે છાઘસ્થિક કર્મ ચતુષ્ટયનો સર્વથા ક્ષય થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ ઉત્પન્ન થાય છે, સર્વ લોકમાં ઉજાસ થાય છે, નારકીના જીવો પણ ક્ષણવારને માટે શાતા અનુભવે છે. ઇન્દ્રોના સિંહાસન ચલિત થાય છે, અવધિજ્ઞાન વડે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાન થયાનું જાણી, ચારે નિકાયના દેવોથી પરિવરેલા તેમના સર્વે ઇન્દ્રો આવે છે. સર્વ ઋદ્ધિપૂર્વક આવેલા ઇન્દ્રાદિ દેવો પ્રભુનો જ્ઞાન મહિમા કરે છે. શક્ર પણ પોતાના શાશ્વત આચાર મુજબ અરિહંતના અવસ્થિત કેશ, રોમ, દાઢી, મૂછ, નખ આદિનું સંમાર્જન કરે