________________
તસ્સઉત્તરી સૂત્ર-વિશેષ કથન
૧૮૧ | (૨ થી ૭) વંવિત્તિયા આદિ, (૨) વંદન નિમિત્તે, (૩) પૂજન નિમિત્તે, (૪) સત્કાર નિમિત્તે, (૫) સન્માન નિમિત્તે, (૬) બોધિલાભ નિમિત્તે અને (૭) નિરુપસર્ગ નિમિત્તે.
(૮) પ્રવચન દેવતાના સ્મરણ અર્થે કાયોત્સર્ગ કરાય છે.
(આ નિમિત્તમાં ઇરિયાવહી. સાથે સંબંધિત કાયોત્સર્ગની વિવેચના આ સૂત્રમાં કરી છે. બાકીના નિમિત્તોનું વિવેચન સૂત્ર-૧૯ અરિહંત ચેઈયાણમાં કરાયેલ છે.)
• કાયોત્સર્ગના દોષો :
કાયોત્સર્ગ કઈ રીતે કરવો ? અને તે કરતી વખતે કયા દોષોનું નિવારણ કરવું આવશ્યક છે ? - (આવશ્યક નિર્યુક્તિ-૧૫૪૫ થી ૧૫૪૭માં તેનું વર્ણન છે. તેની વૃત્તિ, પ્રવચન સારોદ્ધાર, ચૈત્યવંદનભાષ્ય વૃત્તિ આદિમાં તેનું વિવેચન છે.
– કઈ રીતે કરવો ? – “બંને પગ સીધા ઉભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર બે પગ મધ્યે રાખી, સીધા લટકતાં રાખેલા જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ (ચરવળો) ગ્રહણ કરવા પછી દેહ (મમત્વ)નો સંપૂર્ણ ત્યાગ કરીને કાયોત્સર્ગ કરવો.
– કયા દોષોનો ત્યાગ કરવો ? નીચેના ૧૯ દોષોનો ત્યાગ કરવો. (૧) ઘોટક દોષ – ઘોડાની પેઠે એક પગ ઊંચો કે વાંકો રાખવો તે. (૨) લતા દોષ – વાયુથી ચાલતી વેલની માફક શરીરને હલાવવું તે (૩) ખંભાદિ દોષ – થાંભલા આદિનો ટેકો દઈને ઉભું રહેવું તે. (૪) માળ દોષ – ઉપર મેડી અથવા માળને મસ્તક ટેકવીને ઉભું રહેવું તે.
(૫) ઉધિ દોષ – ગાડાની ઊંઘની માફક પગના અંગુઠા તથા પાનીને ભેગા કરીને ઉભા રહેવું તે.
(૬) નિગડ દોષ – નિગડ-બેડીમાં નાંખેલા પગ માફક પગ પહોળા રાખવા. (૭) શબરી દોષ – નગ્ન ભીલડી માફક ગુહ્ય સ્થાનકે હાથ રાખવો તે.
(૮) ખલિણ દોષ – ઘોડાના ચોકડાની માફક કે લગામની માફક રજોહરણ કે ચરવળો આગળ રાખવો તે.
(૯) વધુ દોષ – નવપરિણીત વહૂની માફક માથું નીચું રાખવું તે.
(૧૦) લંબોત્તર દોષ – નાભિથી ઉપર અને ઢીંચણથી નીચે જાનુ સુધી વસ્ત્ર રાખવું તે.
(૧૧) સ્તન દોષ – ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાનથી કે લજ્જાથી હૃદયને આચ્છાદિત કરી સ્ત્રીની માફક ઢાંકી રાખવું તે.
(૧૨) સંયતિ દોષ – ઠંડી વગેરેના ભયથી સાધ્વીની માફક બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે
(૧૩) ભૂ-અંગુલિ દોષ – સંખ્યાદિ ગણવા માટે આંગળી કે પાંપણના ચાળા કરવા કે ચલાવવી તે.