________________
નવકાર મંત્ર-સવ્વપાવપ્પણાસણો
૧૦૭
લઘુદષ્ટાંત :- કોઈ એક ચોર હતો. મોટી-મોટી ચોરીઓ કરતો હતો. કોઈ વખતે પકડાઈ ગયો. રાજાએ તુરંત ફાંસીનો હુકમ આપી દીધો. ચોરને વધસ્તંભે લઈ જઈ રહ્યા છે. ચોરનું ગળુ સુકાયા કરે છે. પાણી-પાણીની બુમો પાડે છે. પણ રાજાના ભયથી તેને કોઈ પાણી આપતું નથી. પાણી વિના ચોરને ભયંકર વેદના થાય છે ત્યારે રસ્તામાં પસાર થતા જિનદાસ શ્રાવકના હૃદયમાં દયા ભાવના ઉત્પન્ન થઈ. તેને થયું કે અરે ! આ ચોરને પાણી માટે આટલું કષ્ટ ! ચોરને કહ્યું, ભાઈ ! હું પાણી લઈને આવું છું. તું ત્યાં સુધી “નમો અરિહંતાણં-નમો અરિહંતાણં કરજે.”
ચોરને પણ થયું કે આખા ગામમાં આ એક માણસે તો મારી સંભાળ લીધી. માટે તે જે કહેતો હશે, તે મારા ભલા માટે જ હશેને ? તેણે તો “નમો અરિહંતાણં” પદનો જાપ શરૂ કર્યો. ફાંસીએ ચડાવવાનો સમય થઈ ગયો. પાણી વિના વેદનાથી તરફડતો તે નવકાર મંત્રનું પદ ભૂલી ગયો. પણ તે પદનો ભાવ નાશ પામ્યો નહીં. તેથી આર્તધ્યાન વશ વચ્ચે વચ્ચે બોલ્યા કરે છે – મા તાપ છાંડું ન ગાઇ શેટ વનં રHIvi - હું આણું તાણ શું હતું તે ભૂલી ગયો છું, પણ શેઠે જે કહ્યું હતું તે પ્રમાણ છે. આ પ્રમાણે મૂળ શબ્દો ભૂલી ગયો, પણ મનમાં નમસ્કારનો ભાવ ધારણ કરીને મૃત્યુ પામ્યો તો નરકને યોગ્ય જીવ હોવા છતાં સીધો સ્વર્ગે ગયો.
એક ભાવ નમસ્કારે તેના કેટલાં અશુભ કર્મોને છેદી નાંખ્યા. -૦- પાવ - પાપ અથવા અશુભ કર્મો :
તત્ત્વાર્થ સૂત્ર કારે પાપને અશુભ આશ્રવ કહ્યો છે. સામાન્ય ભાષામાં કહીએ તો ખરાબ કર્મોને પાપ કહેવાય છે. કર્મો આઠ પ્રકારના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મો વિશે સંક્ષેપ પરિચય આગળ આપેલ જ છે. પણ તેમાંના ચાર કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. આ ચારે તો સંપૂર્ણતયા અશુભ કર્મો જ કહ્યા છે. જ્યારે વેદનીયમાં અશાતા વેદનીયને, આયુષ્યમાં અશુભ આયુ (કર્મગ્રંથમાં માત્ર નરકાયુ અને તત્ત્વાર્થ સૂત્રના મતે તિર્યંચાયુ પણ), નામકર્મમાં અશુભ નામકર્મ અને ગોત્રમાં નીચગોત્ર કર્મ - એ સર્વેને અશુભ કર્મરૂપે ઓળખાવેલ છે.
આ સર્વે અશુભ કર્મો અર્થાત્ પાપનો નાશ આ નમસ્કારથી થાય છે.
• જ્ઞાનાવરણ :- જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ આવરાય તે જ્ઞાનાવરણ કર્મ. આ કર્મનો સ્વભાવ જીવના જ્ઞાનગુણને આવરવાનો છે. તે જ્ઞાનાવરણકર્મ આંખ ઉપરના પાટા સરખું છે. પાટો જાડો કે પાતળો હોય, તે મુજબ ઓછું કે વધુ દેખાય પણ સંપૂર્ણ દેખી ન શકાય તેમ આ કર્મથી જીવનો અનંતજ્ઞાન ગુણ આવરાય છે, આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
• દર્શનાવરણ :- જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય બોધ અવરાય તે દર્શનાવરણ કર્મ દર્શનાવરણ કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને આવરે છે. જેમ દ્વારપાળ વડે રોકાયેલા મનુષ્યને રાજા જોઈ શકતો નથી. તેમ જીવરૂપ રાજા દર્શનાવરણ કર્મના ઉધ્યથી પદાર્થ અને વિષયને જોઈ શકતો નથી. આ કર્મ વડે જીવનો અનંતદર્શનેગુણ અવરાય છે.