________________
પ્રવેશ
સ્થાનાંગ નામના આગમનું એક સૂત્ર છે. तिहिं ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति, तं जहा-कया णं अहं अप्पं वा बहुयं वा सुयं अहिज्जिस्समामि? कया णं अहं एकल्लविहारपडिमं उवसंजपज्जित्ताणं विहरिस्सामि? कया णं अहं अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसिते पाओवगते कालं अणवकंखमाणे विहरिस्सामि?
एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति।।(४९६)
પ્રભુ કહે છે જે શ્રમણ નિર્ગસ્થના મનમાં ત્રણ મનોરથ જન્મે છે તેને ઘણી નિર્જરા થાય છે અને તેને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે તેનું સંસારમાં પુનરાગમન થતું નથી.
૧) હું ક્યારે થોડાં કે ઘણાં શ્રુતનો અભ્યાસ કરીશ? ૨) હું ક્યારે (ગીતાર્થ બની ગુર્વાજ્ઞાપૂર્વક) એકલવિહાર પ્રતિમાનો સ્વીકાર કરીશ? ૩) હું ક્યારે અંતસમયની આરાધનાથી યુક્ત બની, આહારપાણીનો ત્યાગ કરી પાદપોપગમન
અનશન સ્વીકારી મૃત્યુની આકાંક્ષાથી પર બનીશ? સર્વસ્વના પરિત્યાગ સાથે પોતાની ઇચ્છાનો પણ પરિત્યાગ કરનારા મહાશ્રમણોના આ મનોરથ છે. પહેલો, મારા જીવનની પ્રત્યેક પળ ભગવાનના વચનોનું અધ્યયન કરવામાં વીતે, ભગવાનના વચનોની સાથે આત્માનું અનુસંધાન કરવામાં વીતે, ભગવાનના વચનોની અનુપ્રેક્ષા કરવામાં વીતે. બીજો મનોરથ, ભગવાનના વચનોમાં હું એવો એકાકાર બની જાઉં કે બહારના બધા જ સંબંધોથી પર થઈને પરમ એકાંતમાં રહી પ્રભુના વચનોને આત્મસાત્ કરતો રહું. અને ત્રીજો મનોરથ મરણની પળો ગમે ત્યારે આવે તે પૂર્વે હું મારા દેહનો ત્યાગ કરી દઉં,
જીવનની અંતિમ ક્ષણોમાં જીવનભર સાધેલી આરાધનાના તેલથી મનના કોડિયામાં સમાધિની જ્યોત જલાવવાનો દરેક સાધકને મનોરથ હોય છે.
મરણ સમયની ઘડી અગ્નિપરીક્ષા સમાન હોય છે. જીવનભર કાયા સાથે જોડેલો સંબંધ જે પથ્થર જેવો લાગતો હતો તે બરફ બનીને પીગળવા માંડે છે, વરાળ બનીને ઉડવા માંડે છે. આ સમયે માનસિક સ્થિરતા ટકાવવી મુશ્કેલ બને છે કેમ કે મન જે આત્માનો હિસ્સો છે એવું લાગતું હતું તે પણ અલોપ થવા માંડે છે. આત્માનાં એકાકીપણાંની વાસ્તવિકતા પહેલી વાર ખ્યાલમાં આવે છે. આ સમયે ભલભલાં સાધકોની જાગૃતિ જતી રહે તો કોઇ આશ્ચર્ય નથી. માટે જ નિર્ચન્થ સાધકો ધ્યાન અને અધ્યયનની સાથે અંતસમયની સમાધિને પણ જીવનનું લક્ષ્ય બનાવે છે. જીવનનો અંતિમ ભાગ કેવલ મરણની આકાંક્ષાથી,