________________
પ્રણિધાનાદિ આશય ગર્ભિત સાધારણ જિનસ્તવન
પ્રસ્તુત કૃતિનું નામ ‘અધ્યાત્મમહિમાગર્ભિત સાધારણ જિનસ્તવન' એવું પ્રચલિત છે. પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂ. મ. એ અધ્યાત્મ નામ ધરાવતાં ચાર સાધારણ જિન સ્તવનો રચ્યાં છે. તે બધાંથી આ સ્તવનને જૂદું દર્શાવવા તેના વિષયને અનુરૂપ “પ્રણિધાનાદિ આશય ગર્ભિત સાધારણ જિનસ્તવન' નામ રાખ્યું છે.
આ કૃતિ પૂર્વે પ્રગટ થઈ છે છતાં તેનો વિષય બહુ ઉપયોગી હોવાથી અહીં અનુવાદ સાથે પ્રગટ કરી છે. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂ. મ. એ યોગવિંશિકા, ષોડશક, યોગબિંદુ વિગેરે ગ્રંથોમાં રજૂ કરેલા પ્રણિધાન વગેરે આશયનું વિવરણ અહીં સરળ શબ્દોમાં પ્રસ્તુત થયું છે.
આ કૃતિની હસ્તપ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ-સંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઈ છે. કમાંક-ડા. નં. ૮, પ્રત નં. ૪૧૫. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૯ પંક્તિ છે. દરેક પંક્તિ પર ૩૮ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિયંતર અને સંપાદન કર્યું છે. સ્તવનની ભાષા જેવી હતી તેવી જ રાખી છે. જ્ઞાનવિમલભક્તિપ્રકાશ (સંપા. કીર્તિદા જોશી)માં પ્રાપ્ત થયેલ સ્તવન સાથે સરખાવી પાઠાંતરની નોંધ કરી છે. આ પ્રત સુ. બાબુભાઈ સરેમલજી અમદાવાદ દ્વારા પ્રાપ્ત થઇ છે.
કૃતિની પાંચ ઢાળ છે. ગાથા સંખ્યા ૨૮ છે. રચના સંવત મળતો નથી. કર્તાની માહિતી માટે જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ જોઇ લેવા અનુરોધ છે.
સાશ્રીહર્ષદેખાશ્રીજીમ. નાં શિષ્યા
-સા. જિનરત્નાશ્રી