________________
રત્નાકર સ્તવન
-સા. જિનરત્નાશ્રીજીના શિષ્યા સા. મધુ૨હંસાશ્રી
રત્નાકરસ્તવન આત્મનિંદાગર્ભિત મહાવીરસ્વામીનું સ્તવન છે.
આ સ્તવનની ૨ચના ઘોઘા બંદ૨માં થઇ છે. અને ઘોઘાબંદ૨ દરીયા કિનારે હોવાથી સ્તવનનું નામ રત્નાક૨સ્તવન રાખવામાં આવ્યું છે. ઘોઘાનો દરીયા કિનારો કવિ મુનિઓનો ઘણો પ્રિય રહ્યો છે. અહિં ઘણી પ્રાસાદિક રચનાઓ નિર્માણ પામી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘સમુદ્રવહાણસંવાદ’ નામની કૃતિની રચના ઘોઘાના દરીયાને જોઇને કરી છે. તે સમયમાં ઘોઘાબંદર વેપા૨નું મોટું કેન્દ્ર રહ્યું હશે. જૈન વ્યાપારીઓનું વસવાટનું કેન્દ્ર પણ હશે, એમ કલ્પી શકાય. ઘોઘા અને ભરુચ વચ્ચે વહાણ દ્વારા વસ્તુની હે૨-ફે૨ લે-વેચનો વ્યવહાર ચાલતો હતો. જૈનોની વસતિને કા૨ણે ઘોઘા ધાર્મિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતું. અહિં નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તેનો ઇતિહાસ આ પ્રમાણે છે. ઘોઘા બંદર ગામમાં નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન તીર્થસ્થળ છે. કહેવાય છે કે આ પ્રતિમા પ્રાચીન સમયમાં વડવા ગામના એક કૂવામાંથી મળી હતી. એમ પણ કહેવાય છે કે પી૨મબેટમાં એક પથ્થરના કુંડમાંથી બીજી પ્રતિમાઓની સાથે આ પ્રતિમા પણ મળી હતી. વિ. સં ૧૧૬૮માં આચાર્ય શ્રીમહેન્દ્રસૂરીશ્વરજીના સુહસ્તે પ્રભુપ્રતિમાની અંજનશલાકા કર્યાનો તથા આ પુનિત કાર્યમાં નાણાવટી શ્રી હીરાશેઠ દ્વારા તેમની ચંચળ લક્ષ્મીનો સદુપયોગ કર્યાનો ઉલ્લેખ છે. વિ. સં ૧૪૩૦માં આચાર્ય શ્રી જીનેન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં શ્રેષ્ઠિ શ્રીવીરા તથા પૂર્ણએ અહીંથી શ્રી શત્રુંજય તથા ગિરનારનો સંઘ કાઢ્યો હતો. વિ. સં ૧૪૩૧માં શ્રી જિનોદયસૂરીશ્વરજી દ્વારા મોકલેલા વિજ્ઞપ્તિપત્રમાં અહીંના શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદના કરી હતી. આ બધાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ સ્થળ બારમી સદીથી પૂર્વેનું છે, પરંતુ પ્રતિમા તેના કરતાં પણ પ્રાચીન છે.
મુસલમાનોના રાજ્યકાળ દરમિયાન તેમના સિપાહીઓ દ્વારા બીજાં મંદિરો તથા પ્રતિમાઓનું પણ ખંડન કરવામાં આવ્યું તે સમયે આ પ્રતિમાનું પણ ખંડન કરવામાં આવ્યું હતું અને તેના નવ ટુંકડા થયા હતા. અધિષ્ઠાયક દેવની કૃપા મેળવીને શ્રાવકોએ આ ટુકડાઓને લાપસીમાં રાખ્યા જેથી પ્રતિમા જેવી હતી. તેવી બની ગઇ, પરંતુ નવ જગ્યાએ નિશાન કાયમ રહી ગયાં, જે આજે પણ જોવા મળે છે. તે દિવસથી ભક્તજનો પ્રભુને નવખંડા પાર્શ્વનાથ ભગવાન કહે છે. કેટલાંક વર્ષો પહેલાં પ્રભુના અંગુઠામાંથી અમૃતરૂપી અમી ઝરતી હતી. અહીંયા કેટલાંય વરસોથી અખંડ જ્યોત છે.
આ મંદિરોની પાસે જ બીજાં ચાર મંદિરો તથા થોડેક દૂર બીજાં બે મંદિરો ગામમાં છે. નજીકમાં નેમિનાથ ભગવાનના મંદિરમાં ભૂગર્ભમાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રતિમાઓ છે. આ મંદિરમાં જ વિ. સં. ૧૩૫૪ની બે ગુરુપ્રતિમાઓ છે. કહેવાય છે કે આ પ્રતિમાઓ શ્રી હેમચંદ્રાચાર્યની તથા આચાર્ય