________________
શામળા પાર્શ્વનાથ સ્તવન
(અર્થ)
શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજીમ. એ ભાવપૂજાનું રહસ્ય દર્શાવ્યું છે. દ્રવ્યપૂજા કરતી વખતે અને કરતાં પહેલા કરવામાં આવતી દરેક ક્રિયા સાથે સંકળાયેલા ભાવ આ સ્તવનમાં અભિવ્યક્ત થયા છે. તેનો મૂળ સ્રોત આ ભ. શ્રી. સિદ્ધસેનસૂરિજીકૃત પૂજા ચતુર્વિશિતિકા છે. આ સ્તવન પર ઓગણીસમી સદીના અંત ભાગમાં બાલાવબોધ પણ રચાયો છે. તેના કર્તા અજ્ઞાત છે. તેના આધારે આ સ્તવનનો ભાવાર્થ અહીં પ્રસ્તુત છે.
(ગાથા-૧) સુખના = કલ્યાણના કરનારા હે પાર્શ્વનાથ ભગવાન! તારી પૂજાવિધિમાં જે અંતરંગ ભાવના ભાવવાની છે. તે સર્વ તારી સમક્ષ રજૂ કરું છું એવો પણ અર્થ થઈ શકે છે.
(ગાથા-૨) દાતણ કરતાં એવી ભાવના ભાવવી કે-પ્રભુના ગુણરૂપી પાણીથી મારા મુખની શુદ્ધિ થાય છે. અને હું પ્રમાદરૂપી ઓળ ઉતારું છું. (ઓળ ઉતારવી = જીભનો મેલ દાતણ વિ. થી સાફ કરવો) તેથી મારી બુદ્ધિ નિર્મળ થાઓ.
(ગાથા-૩) જયણાપૂર્વક સ્નાન કરતી વખતે એવી ભાવના કરવી કે મારા આત્મા ઉપરનો મિથ્યાત્વરૂપી મેલ નીકળી રહ્યો છે. - (અંગુઠો = અંગ લૂછવાનું વસ્ત્ર = ટુવાલ) અંગુછાથી શરીરને સુકવતાં = લૂછતી વખતે એવી ભાવના કરવી કે-પ્રભુના પ્રેમરૂપી અંગ શુદ્ધ થઈ રહ્યાં છે. પૂજા ચતુર્વિશિતિકામાં એમ જણાવ્યું છે કે-શુભકાર્યમાં મનની રુચિ તે જમીન છે. (ગાથા-૪) .
(ગાથા-૪) ક્ષીરસમુદ્રના પાણી જેવાં સફેદ ધોતીયાં પહેરતાં મનમાં સંતોષની ભાવના કરવી. એટલે કે પૂજાના વસ્ત્રો પહેરતાં મનમાં સંતોષ ધારણ કરવો. આઠ પડવાલો મુખકોશ ધારણ કરતાં મનમાં એમ વિચારવું કે - હું આઠ કર્મનો સંવર કરી રહ્યો છું. એટલે કે અશુભકર્મને આવતા અટકાવી રહ્યો છું. પૂજા ચતુર્વિશિતિકા માં ધોતીયાને ધીરજ અને સંતોષ ગુણ જણાવ્યાં છે. એટલે વસ્ત્ર પહેરતાં એવી ભાવના ભાવવી કે - મારા મનમાં ધીરજ અને સંતોષ ધારણ કરું છું.
(ગાથા-૫) પૂજા માટે કેસર ઘસતાં એ ભાવના કરવી કે - ઓરસીયો = (સુખડ ઘસવાનો પથ્થર) મનની એકાગ્રતા છે. તેની ઉપર ઘસવાનું કેસર = ભક્તિની લીનતા તેની પર ઘસવાનું કેસર છે. હૃદયમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા તે ચંદન છે. એકાગ્રતાના ઓરસીયા ઉપર શુદ્ધ શ્રદ્ધારૂપી ચંદનથી ભકિતનું કેસર ઘસતી વખતે જે ઘોળ તૈયાર કરવામાં આવે છે. (ઘોળ = ઘણાં બધાં દ્રવ્યો ભેગા કરી તેમાં પાણી નાંખી કરેલું મિશ્રણ) તે ધ્યાન છે. જેથી ઉત્તમ રંગ નીપજે છે. બીજો અર્થ આ રીતે કરી શકાય-શ્રદ્ધારૂપી ચંદન ઘસવાથી સરસ રંગવાળું ધ્યાન જન્મે છે.) અહીં પૂજા ચતુર્વિશિતિકામાં કેસર ભરવાની વાટકીને પ્રવચન ભક્તિની ઉપમા આપી છે. પૂજા ચતુર્વિશિતિકા ગાથા. ૬)