________________
સંપાદકીય
નયામૃતમ્-૨માં નય વિષયની પ્રાથમિક માહિતી આપતી કૃતિઓનું સંકલન છે. આ પૂર્વે ‘નયામૃતમ્’માં નય વિષેની કૃતિઓનું સંકલન કર્યું હતું. તેમાં સંસ્કૃત પ્રાકૃત કૃતિઓ હતી. નયામૃતમ-૨માં ગુજરાતી કૃતિઓનું પણ સંકલન છે. પ્રગટ અને અપ્રગટ બંને પ્રકારની કૃતિઓનું અહીં સંકલન છે. ઘણી ખરી પ્રગટ કૃતિઓ અપ્રચલિત છે એટલે તેમ જ વિષયને સર્વાંગીણ રૂપે સમજવામાં ઉપયોગી બને તેવી છે તેથી પુનઃ પ્રગટ કરી છે. સ્વરૂપ પરત્વે કૃતિઓને ચાર ખંડમાં વિભાજિત કરી છે. પહેલા ખંડમાં સંસ્કૃત કૃતિઓ છે. બીજા ખંડમાં પદ્યાત્મક ગુજરાતી કૃતિઓ છે. ત્રીજા ખંડમાં પ્રાચીન ગુજરાતીમાં રચાયેલી ગદ્ય કૃતિઓ છે. ચોથા ખંડમાં અર્વાચીન ગુજરાતી કૃતિઓમાં લખાયેલા નિબંધો છે. અર્વાચીન ગુજરાતી નિબંધાત્મક કૃતિઓને અહીં સ્થાન આપવાનાં બે કારણ છે. એક, આ નિબંધ નયના વિષયને સમજવામાં સહાયક થાય તેવા સબળ છે. બીજું, ત્રીજા ખંડમાં જે પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંકલન છે તેનો આધાર લઇને આ નિબંધો લખાયા છે. આથી પ્રાચીન ગુજરાતી પણ જલ્દી સમજમાં ન આવે તેવા વાચકો માટે તેમનો અભ્યાસ સ૨ળ થઇ શકશે. અહીં દરેક કૃતિનો ક્રમશઃ પરિચય પ્રસ્તુત છે.
ખંડ : ૧ - સંસ્કૃત કૃતિ
(૧.૧) નયકર્ણિકા સહ ટીકા
પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનય વિજયજી મ. રચિત નયકર્ણિકા ઉ૫૨ પૂ.મુનિરાજશ્રી ગંભીર વિજયજી મ.એ ટીકા રચી છે. પૂજ્યશ્રી વિદ્વાન હતા તેમણે અનેક ગ્રંથોના સંપાદન કર્યા છે. આ ટીકા યશોવિજય જૈન પાઠશાળા તરફથી વિ.સં.૧૯૬૩માં પ્રકાશિત થઈ છે.
હસ્તપ્રત માહિતી
૧) નયકર્ણિકા સટીક (ટીકાકર્તા-પૂ.ગંભીરવિ.મ.). શ્રીમોહનલાલજી મ. જૈન લાયબ્રેરી, મુંબઇ.ક્રમાંક૮૭૬. તેના ૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. શ્રીહર્ષમુનિજીએ પ્રત નવી લખાવી લાગે છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત સુ.નીતિતભાઇ સોનાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) નયકર્ણિકા ટબાર્થ : શ્રીલબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન, છાણી ક્રમાંક-૮. તેના ૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિ છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત મુનિશ્રી પદ્મકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે. ટબાર્થ કૃતિ નવી લાગે છે.તેમાં દરેક શ્લોકનો શબ્દાર્થ અને ભાવાર્થ છે. કર્તા અજ્ઞાત છે.