________________
૨૪૮
नयामृतम्-२
પોતાનો સ્વસ્વભાવ મૂકી પરભાવપણું અંગીકાર ન કરે તેવા પ્રકારના દ્રવ્યને નિજજાતિદ્રવ્ય એટલે સ્વસ્વભાવરૂપ દ્રવ્ય કહેવાય છે. જેવી રીતે જ્ઞાનાદિક ગુણપર્યાયનું ભાજન જીવદ્રવ્ય ગણાય, રૂપાદિક ગુણપર્યાયનું સ્થાન પુદ્ગલદ્રવ્ય ગણાય, ઘટાદિ ગુણપર્યાયનું ભાજન માટી દ્રવ્ય ગણાય.
પર્યાય- દ્રવ્યને માટે પર્યાયને લઈને બે પ્રકાર દર્શાવ્યા છે. એક અગુરુલઘુ દ્રવ્ય, બીજું ગુરૂલઘુ દ્રવ્ય. તેમાં જે સ્થિર હોય તે અગુરુલઘુ કહેવાય છે. દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર. સિદ્ધક્ષેત્ર કદી પણ ચલાયમાન થતું નથી તેથી તે અગુરુલઘુ કહેવાય છે. જે વસ્તુ તિચ્છિ ગતિ કરનાર કે ચલિત હોય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે-પવન. તે અગુરુલઘુ દ્રવ્યનો જે વિકાર તે સ્વભાવ પર્યાય અને સ્વભાવ પર્યાયથી જે ઉલટો તે વિભાવ પર્યાય કહેવાય છે. દ્રવ્યની ક્રમિક એક પછી એક એમ પ્રગટ થનાર અવસ્થાઓને પર્યાય કહે છે. જેમ મનુષ્યાદિ અવસ્થાઓ અનુક્રમે એક પછી એક ઉત્પન્ન થાય છે, પણ તેમાંના એક પણ અવસ્થા સ્થાયી રહેતી નથી જેમકે-મનુષ્યપણું અમુક કાળપર્વત હોય છે, ત્યાર પછી તિર્યચપણું થાય, પછી દેવપણું પ્રાપ્ત થાય, તથા મનુષ્યપણામાં બાલ્ય, યૌવન અને વૃદ્ધત્વાદિ અવસ્થાઓ, પુગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ પર્યાયો છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના જીવ અને પુદ્ગલ સાથે જીવ અને પુગલની ક્રિયા અનુકૂલ જે સહાય તે તેના પર્યાય છે. એમ એક માણસ જ્યાં બેઠો હોય ત્યાં આકાશ અને અધર્માસ્તિકાય સંયોગ રૂપે રહે તેથી તે સંયોગાકાશ અને સંયોગિક અધર્માસ્તિકાય કહેવાય છે. હવે જ્યારે તે માણસ ત્યાંથી અન્યત્ર જાય, ત્યારે આકાશાસ્તિકાય અને અધર્માસ્તિકાય વિભાગરૂપે રહે છે ઈત્યાદિ.
પર્યાયો સંખ્યાથી, લક્ષણથી, પ્રદેશવિભાગથી એમ ત્રણ પ્રકારે છે અને ઉપચારથી નવ પ્રકારે છે. લક્ષણથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ પ્રકારે છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ પરસ્પર કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. પર્યાયના બે પ્રકાર છે-વિભાવ પર્યાય અને સ્વભાવ પર્યાય. અન્ય દ્રવ્યના સંયોગથી જે પર્યાય પ્રગટ થાય છે, તે વિભાવ પર્યાય' કહેવાય છે. અને દ્રવ્યના સંયોગ વિના સ્વાભાવિક જે થાય તે સ્વભાવ પર્યાય.” જેમકે મુક્ત આત્માને પ્રતિ સમય શુદ્ધ જ્ઞાનાદિ સ્વરૂપનો અનુભવ થવો, અથવા એક પરમાણમાં એકગુણ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ વર્ણાદિનો ફેરફાર થવો, તે બધા સ્વભાવ પર્યાય કહેવાય છે.
ગુણ- દ્રવ્યના સ્વાભાવિક ધર્મને ધારણ કરે, તે ગુણ અને કમભાવી ધર્મ તે પર્યાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકારે ભિન્ન છે તથા લક્ષણાદિકથી અભિન્ન છે. જીવ દ્રવ્યનો ઉપયોગ ગુણ છે, પુદ્ગલ દ્રવ્યનો ગ્રહણ ગુણ છે, ધર્માસ્તિકાયનો ગતિeતુ ગુણ છે, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુ ગુણ છે, આકાશાસ્તિકાયનો અવકાશ આપવાનો ગુણ છે તેમ જ કાળનો પરાવર્તન ગુણ છે.
અગુરુલઘુ ગુણની સ્પષ્ટતા “જૈનધર્મપ્રકાશ” માં વાંચવામાં આવેલી, તે આ નીચે પ્રમાણે પાઠકોની જાણ ખાતર મૂકી છે.
સિદ્ધના જીવોને ગોત્રકર્મના ક્ષયથી અગુરુલઘુ ગુણ પ્રગટે છે. તે ગુણના અર્થમાં કેટલાક સુજ્ઞ પણ અરૂપીના અગુરુલઘુ ગુણ પર્યાય) તરફ ખેંચાઈ જાય છે. પણ તે ગુણનો અર્થ આત્મપ્રબોધ ગ્રંથમાં પરમાત્મા પ્રકાશમાં નીચે પ્રમાણે છેઃ