________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
અર્થ –જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને “ક્ષીણમોહ' એવા નામથી કહે છે.
*પાઠ ૫ મો આત્માનું સ્વરૂપ જાણવા આત્માના છ પદનો પાઠ કાયોત્સર્ગ (કાઉસગ્ગ) રૂપે કહેવામાં આવે છે :
(નમસ્કાર મંત્ર બોલવો) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને
અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ :–“આત્મા છે.” જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
બીજું પદ –“આત્મા નિત્ય છે.” ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી * શ્રીમદ્ રાજચંદ્રમાંથી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250