________________
૮૭૧
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા ચારિત્ર છે અને તે જ્ઞાન-રમણતા જ છે. જો આચરણાને ચારિત્ર કહીશું તો ચૌદમાં ગુણઠાણે અને મુક્તિમાં અશુભ કે શુભ કોઈપણ જાતની આચરણા ન હોવાથી ચારિત્ર નથી, એમ કહેવું પડશે. માટે કાયિક આચરણા એ ચારિત્ર નથી પણ સ્વભાવમાં રમણતા એ ચારિત્ર છે. - પરંતુ કેશલોચ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિ જે શુભક્રિયાઓ છે. તે શારીરિક મમતા આદિ રૂપ મોહક્ષયનું કારણ છે. તેથી શુભક્રિયાને પણ ઉપચારે ચારિત્રગુણ કહેવાય છે વાસ્તવિકપણે તો તે શુભયોગ છે. તેથી જ સિદ્ધભગવંતોને “નો ચરિત્તા, નો પરિત્તા' કહેવાય છે.
એવી જ રીતે સાતવેદનીયનો જે ઉદય તે સુખ છે આવો અર્થ કરીએ તે બરાબર નથી. કારણ કે જો આવો અર્થ કરીએ તો તે સુખ તો ઔદયિકભાવનું થયું, વિભાવદશા જ થઈ, મુક્તિના જીવોને ઔદયિકભાવ નથી, સાતાવેદનીયના ઉદયજન્ય સુખ ત્યાં નથી. માટે સાતાના ઉદયજન્ય સુખ, તે સુખ જ નથી દુઃખ માત્ર જ છે. “સાલાસાયં કુંવરવિ' આવું શાસ્ત્રકારનું વચન છે. માટે જ્ઞાનનો આનંદ-સ્વભાવદશાનો આનંદ તે જ સાચું સુખ છે આવું સુખ મુક્તિમાં છે. તથા જ્ઞાનનો આસ્વાદ માણવો તે જ ભોગ-ઉપભોગ છે આમ ભાવના ભાવવી, આત્માના જ્ઞાનગુણનો ભોગ-ઉપભોગ તે જ સાચું સુખ છે.
ઉપર પ્રમાણે જે ભાવના સમજાવી તે જ્ઞાનરમણતા-એ જ ચારિત્ર, જ્ઞાનનો આનંદ તે જ સુખ, જ્ઞાનનો ઉપયોગ કરવો તે જ વીર્ય, ભોગ, ઉપભોગ. આમ જ્ઞાનગુણમય જીવ છે બીજા બધા જ ગુણો જ્ઞાનના જ સ્વરૂપાત્મક છે તેથી સર્વે ગુણો જ્ઞાનમાં જ સમાઈ જાય છે આમ અભેદનય લઈને આ વાત સમજાવી, જ્ઞાનાદ્વૈત-એક જ્ઞાન ગુણ જ આત્માનો છે. સર્વે ગુણો તેમાં જ સમાયેલા છે.
શ્રી વિષેષાવશ્યકભાષ્યમાં પૃથકપણે પણ ગુણોની ભાવના જણાવેલી છે. ભેદનયની પ્રધાનતા કરો તો ગુણોનો પરસ્પર ભેદ પણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ તપ-વીર્ય-ભોગઉપભોગ એમ અનેક ગુણો આ જીવના છે. આ સર્વે ગુણો કંઈક અંશે પૃથક પૃથક છે એમ પણ ત્યાં સમજાવેલ છે. ભેદનયની અપેક્ષા કરીએ તો અનંતગુણો છે તેમાં પણ ઉપયોગમય આત્મા છે આમ જ્યારે આત્માના લક્ષણનું વર્ણન કરવામાં આવે ત્યારે તો મુખ્યત્વે જ્ઞાન જ લેવાય છે તેથી જ્ઞાન એ પ્રધાનતાએ જીવનો ગુણ છે.
ભેદનયથી ભલે અનેક ગુણો હોય અને પૃથક પૃથક હોય તો પણ “જ્ઞાનાદ્વૈતનયથી” - અભેદનયથી જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન એ જ સાધ્ય છે. જ્ઞાન-રમણતાએ જ સ્વભાવદશા છે. જ્ઞાન ઉપરની આવરણતા દૂર કરવી અર્થાત્ નિરાવરણતા મેળવવી એ જ સિદ્ધિ છે. આ પ્રમાણે દૃષ્ટિ કરવી.
પ્રશ્ન :- શા માટે જ્ઞાનને જ સાધ્ય બનાવવું ?