________________
૮૩૭
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સાધ્યની સિદ્ધિ સંગત થતી હોય ત્યાં ત્યાં તે તે નયની પ્રધાનતા કરનારા અને બીજા નયની ગૌણતા કરનારા વિચક્ષણ પુરુષોમાં જ તટસ્થપણું અને અનુગ્રહબુદ્ધિ સંભવે છે. તટસ્થપણું એટલે મધ્યસ્થપણું અથવા જ્યાં જે યોગ્ય હોય, તેના પડખે ઉભા રહેવાપણું, આવા જીવોમાં હોય છે. કદાગ્રહ વિનાના હોવાથી જ્યાં જ્યાં જે જે ઉપકારકભાવ હોય ત્યાં ત્યાં તે તે ભાવની પડખે આ મહાત્માઓ ઉભા રહે છે પોતાને કોઈ બાજુનો હઠાગ્રહ ન હોવાથી જેને પ્રધાન કરવાથી સાધ્યની સિદ્ધિ થાય તેમ હોય ત્યાં તેની પ્રધાનતા કરી લે છે.
વાં શબ્દ અહીં વ્યવસ્થા અર્થમાં છે એટલે આવા મધ્યસ્થ પુરુષો સર્વનયોને જાણતા હોવાથી તટસ્થ રહે છે તેથી જ હૃદય સાચું છે માટે સાચો ઉપકાર કરી શકે છે. હંમેશાં હૃદયમાં અનુગ્રહબુદ્ધિ જ હોય છે, કરૂણાળુ સ્વભાવ હોય છે. દીર્ઘદ્રષ્ટિ હોય છે, સાપેક્ષહૃદય હોય છે, આ કારણે જ આવા જીવો ક્લેશમુક્ત, જડતામુક્ત અને કદાગ્રહમુક્ત હોય છે. સર્વ સ્થાનોમાં પોતાની બુદ્ધિ દોડાવીને પરીક્ષા કરીને ઉપકારક રીતે પ્રવર્તે છે તેથી તેઓમાં સર્વત્ર પરીક્ષકપણું હોય છે અને તેઓ સર્વત્ર હિતકારક બને છે.
જે આત્માઓ એક એક નયને જ જાણીને તેના આગ્રહવાળા બને છે બીજી બાજુનો નય, બીજી બાજુની વાત, જેઓ સાંભળતા નથી અવધારતા નથી તેઓ પોતાની માનેલી માન્યતાના હઠાગ્રહી થયા છતા અભિમાની-ગર્વિષ્ઠ બને છે અને બીજી બાજુના અજાણ હોવાથી બીજી બાજુના જાણકાર પુરુષોની સાથે અત્યન્ત લઢવાડવાળા બને છે. તેથી અત્યન્ત ક્લેશવાળા, જડતાવાળા અને કદાગ્રહવાળા બને છે. જ્યારે જુઓ ત્યારે ધર્મચર્ચાને બદલે વાદવિવાદ અને લઢવાડ, નિંદા-ટીકા જ હોય છે. માટે એકાન્તવાદનો આગ્રહ દુઃખદાયી, ક્લેશદાયી અને કષાય વધારનાર જ છે. પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિપ્રકરણમાં કાંડ-૩ ગાથા પ૩ માં કહ્યું છે કે –
“કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કમ), અને પુરુષ રૂપ કારણ, આ પાંચેના એકાન્તવાદો મિથ્યાત્વ છે અને તે પાંચે વાદો યથાર્થપણે સમન્વય પામે તો સાપેક્ષ થવાથી સમ્યકત્વ બને છે. ll૩-૫૩
આ ગાથામાં પુરુષકારણ શબ્દનો અર્થ પુરુષમાં (કર્તામાં) રહેલી કારણતા એવો અર્થ કરવો. જેથી જે કર્તા એવો પુરુષ કાર્ય આરંભે છે તે કર્તા તે કાર્યનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય કારણ છે. જેમકે જે આત્મા મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ આરંભે છે તે પુરુષ મુક્તિપ્રાપ્તિનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય છે. બાકીનાં ચારે કારણોમાં કાલ એ નિમિત્તકારણ છે, સ્વભાવ એ અસાધારણ કારણ છે, પૂર્વકૃત કર્મ એ અપેક્ષાકારણ છે અને નિયતિ એ