________________
૭૭૬ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર અને જલ-ચંદન આદિ બાહ્ય દ્રવ્યો દ્વારા પૂજા કરે છે. માટે આવી દ્રવ્યપૂજા ગૃહસ્થોને જ યોગ્ય છે. તેઓ જ આ ભેદોપાસના રૂપ દ્રવ્યપૂજાના અધિકારી છે.
પરંતુ સાધુમહાત્માઓને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા ઉચિત છે. પરમાત્માના આત્માની સાથે પોતાના આત્માનો અભેદ કરવા રૂપ ચિંતન-મનન સ્વરૂપ ભાવપૂજા મુનિઓને યોગ્ય છે. જેવો પરમાત્માનો આત્મા અનંતગુણી છે. કેવલજ્ઞાનાદિ ગુણમય છે, વીતરાગ છે નિરંજન છે, તેમ મારો આત્મા પણ સત્તાથી તેમના જેવો જ અનંતગુણી કેવલજ્ઞાનાદિમય, વીતરાગ, નિરંજન છે. તેઓ પ્રગટગુણી છે હું અપ્રગટ-ગુણી છું, પરંતુ પરમાર્થે બન્ને તુલ્ય છીએ. હું જો તેઓની ઉપાસના કરું તો તેઓની ઉપાસના કરતાં કરતાં હું પણ કર્મોને તોડીને તેમના જેવો જ બની શકું છું. આમ અભેદબુદ્ધિપૂર્વક ભાવપૂજા કરે છે. સાવધના ત્યાગી હોવાથી નિરવદ્ય એવી ચિંતન-મનનાત્મક ભાવ પૂજા કરે છે. આ અભેદોપાસના છે.
ભાવપૂજા બે પ્રકારની હોય છે. એક સવિકલ્પક અને બીજી નિર્વિકલ્પક. અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ કરવું, ગુણો ઉપર બહુમાન કરવું, તેમાં જ લીન થવા રૂપ સવિકલ્પક એવી ભાવપૂજા ગૃહસ્થોને પણ હોય છે. પરંતુ નિર્વિકલ્પક (પ્રશસ્ત રાગાદિ મોહના વિકલ્પો વિનાના) ઉપયોગાત્મક પરમાત્માની સાથે એકમેક થવા રૂ૫ ભાવપૂજા તો નિગ્રન્થ મુનિઓને જ હોય છે. ગૃહસ્થોને એક સાવદ્ય એવી દ્રવ્યપૂજા અને બીજી પ્રશસ્ત રાગાદિ ભાવવાળી સવિકલ્પક ભાવપૂજા હોય છે. જ્યારે મુનિઓને નિરવદ્ય અને પ્રશસ્ત રાગાદિભાવ વિનાની એવી નિર્વિકલ્પક ભાવપૂજા જ એકલી હોય છે.
આ પ્રમાણે ગૃહસ્થ આત્માઓને આશ્રવ, કષાય અને યોગની ચંચળતા છે કે જે ઘર અને પરિવારાદિ માટે અશુભ બંધહેતુરૂપે છે તેની પ્રથમ પરાવૃત્તિ કરીને શુભમાં જોડીને અરિહંત પરમાત્માની દ્રવ્યપૂજા આદિમાં પ્રશસ્ત-રાગાદિ કરાય છે. ત્યારબાદ આવી દ્રવ્યપૂજાના અભ્યાસથી અરિહંત પરમાત્માના ગુણો અને પોતાના ધર્મોની એકતા રૂપ ભાવપૂજાવાળા તે જીવો બને છે. તેથી અરિહંત પરમાત્માની સાથે તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ થાય છે. અને મુનિ મહાત્માઓ સાધ્યના ઉપયોગથી યુક્ત એવી કેવળ એકલી ભાવપૂજા કરવા રૂપ સાધનને સેવવા વડે સર્વથા કર્મરહિત એવી સિદ્ધિદશા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ઓગણત્રીસમા ભાવપૂજાષ્ટકનું વિવેચન પણ સમાપ્ત થયું. પેટા
ઓગણત્રીસમું ભાવપૂજાષ્ટક સમાપ્ત
છે