________________
૭૪૦
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ જેથી ગાંડા-ઘેલા માણસોથી પણ શાસન તો છેવટે ચાલુ રહે.
તે માટે તીર્થ ઉચ્છેદ થઈ જશે એવા ભયથી સ્થાનાદિ યોગદશા વિનાના જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ. દીક્ષા અપાવવી જોઈએ. એવા જીવોથી પણ મહાવીરપ્રભુનું શાસન ચાલુ રહે તે માટે અયોગ્યને પણ સૂત્રદાન અપાવવું જોઈએ આ જ માર્ગ વધારે ઉચિત છે. નિષેધ શું કામ કરો છો ?
ઉત્તર ઃ- “અયોગ્ય જીવને જો સૂત્રદાન નહીં કરીએ તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ ખોટાં આલંબનો છે. જો આવાં બહાનાં નીચે પણ યોગદશા વિનાના જીવને સૂત્રદાન આપવામાં આવે તો આપનારાને મહાદોષ લાગે એમ શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાત્મા પુરુષો કહે છે.
આ કથનની પાછળ આશય એ છે કે કયા કારણે અપાત્રને સૂત્રદાન નથી અપાતું ? તે જાણવું ખાસ જરૂરી છે. તેથી તે જણાવે છે કે યોગદશા વિનાનો જીવ અપાત્ર છે અર્થાત્ કુપાત્ર છે. જેમ માંદા માણસને વિશિષ્ટ ખોરાક નથી અપાતો, બાળકને લાખોના દાગીના નથી પહેરાવાતા, બુદ્ધિહીન જીવને અને દુરાચારી જીવને કોઈ વિશિષ્ટ સ્થાનનો હોદ્દો નથી અપાતો, જો આપવામાં આવે તો લાભ કરતાં નુકશાન ઘણું વધારે થાય, તેની જેમ અહીં અપાત્રને આવા પ્રકારની વિદ્યા અપાતી નથી.
આસ્તિકતા આદિ વિશિષ્ટ ગુણો જેમાં ન હોય એવા નાસ્તિક જીવને સૂત્રનું દાન ક૨વામાં આવે તો તે જીવ ઉસૂત્ર પ્રરૂપણા કરનાર બને, પોતાનામાં એવા વિશિષ્ટ ગુણો નથી અને અધિકાર જો મળી જાય તો મન ફાવે તેમ વર્તે, સ્વચ્છંદતા વધે, મન ફાવે તેવા અર્થો કરીને સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરે. તેનાથી જીવો અવળા માર્ગે વળે. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો કહેવાય. સાચા માર્ગે ચાલનારા થોડા હોય તો પણ તે માર્ગ કહેવાય, પણ શાસ્ત્રવિરુદ્ધ ચાલનારા અને તેવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા ઘણા હોય તો પણ તે ઉન્માર્ગ જ કહેવાય. વધારે વધારે ઉન્માર્ગ પ્રવર્તે એ જ પરમાત્માના શાસનનો સાચો ઉચ્છેદ કર્યો કહેવાય. થોડા જીવો હોય પણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તેને સંઘ-તીર્થ કહેવાય અને સ્વચ્છંદે ચાલતા હોય તો હાડકાંનો માળો જ માત્ર કહેવાય. તેથી થોડા હોય પણ શાસ્ત્રાનુસારી ચાલનારા હોય તે જ સાચું તીર્થ છે આમ જાણવું. તેથી આવા બહાના નીચે પણ અપાત્રને સૂત્રદાન કરવું નહીં. આ જ વાત પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકામાં કહી છે. તે વાત આ પ્રમાણે છે -