________________
૭૩૦ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર तथैव यः स्वरूपानन्दपिपासितः स्वरूपसाधनार्थं प्रथमकारणरूपं जिनेश्वरं वीतरागादिगुणसमूहैः अवलम्बते, यावद् मुद्राद्यालम्बनी तावद् रूप्यवलम्बनी । स एव अर्हत्सिद्धस्वरूपं ज्ञानदर्शनचारित्राद्यनन्तपर्यायविशुद्धशुद्धाध्यात्मधर्ममवलम्बते इति अरूप्यालम्बनी ।
વિવેચન :- અહીં જિનેશ્વર પરમાત્માએ કહેલ મોક્ષમાર્ગની સાધનામાં બે પ્રકારનાં આલંબનો છે. એક રૂપી આલંબન અને બીજું અરૂપી આલંબન. બાહ્ય આલંબન એ પણ આત્માના પરિણામની શુદ્ધિનું કારણ બને છે માટે તેને આલંબન કહેવાય છે. ત્યાં જિનેશ્વર પરમાત્માની મુદ્રા આદિનું આલંબન લેવું, અરિહંત પરમાત્માની પિંડસ્થ, પદસ્થ અને શરીર સંબંધી રૂપસ્થ અવસ્થા સુધીનું આલંબન લેવું, આ સઘળું ય રૂપિ-આલંબન છે. જ્યાં સુધી ચોત્રીસ અતિશય, છત્ર-ચામરાદિ વિભૂતિયુક્ત, સોનાના, રૂપાના અને રત્નોના ગઢવાળું, કોડાકોડી દેવોથી પરિવરેલું ઈત્યાદિ બાહ્ય પુષ્પાઈવાળું અરિહંતપણાની અવસ્થાનું સૂચક જે સ્વરૂપ છે તેનું આલંબન લેવું તે રૂપિ આલંબન કહેવાય છે. તેને કારણાલંબન પણ કહેવાય છે. અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવનું બહુમાનના ભાવનું કારણ છે માટે તેને કારણાલંબન પણ કહેવાય છે. પરમાત્માનું તીર્થકર નામકર્મના ઉદયજન્ય પુષ્ઠાઈવાળું બાહ્યવિભૂતિમય જે સ્વરૂપ છે તે રૂપી છે ભાવવૃદ્ધિનું કારણ છે તેથી તેનું આલંબન તે રૂપી આલંબન અથવા કારણ આલંબન કહેવાય છે.
આ જીવ મોહબ્ધતાના કારણે અનાદિ કાળથી પરભાવ સ્વરૂપે રહેલા શરીર, ધન અને સ્વજનોનું જ અવલંબન લેનારો બનેલો છે એટલે પરદ્રવ્યમાં જ સુખબુદ્ધિ જામેલી છે. તેના અભ્યાસથી પરપદાર્થમાં જ સુખબુદ્ધિએ પરિણામ પામેલી ચેતનાવાળો આ જીવ જ્યાં ત્યાં પાંચ ઈન્દ્રિયોના વિષયો અને ભૌતિક ઐશ્વર્યાદિ મેળવવાની બુદ્ધિએ જ બાહ્ય આલંબનો સ્વીકારે છે. આવી ભોગ-બુદ્ધિપૂર્વક ભોગોની પ્રાપ્તિ અર્થે તીર્થંકર પરમાત્મા આદિ મહાત્મા પુરુષોનું આલંબન લે તો પણ તે શુભ અવલંબન હોવા છતાં પોતાની પાત્રતા અશુદ્ધ હોવાથી ભવ-ભ્રમણનો જ હેતુ બને છે. દૂધ ગમે તેટલું સારું હોય તો પણ સર્પના ઉદરમાં જાય તો વિષ જ થાય છે તેમ આલંબન ગમે તેટલું તારક હોય પણ ગ્રાહકની બુદ્ધિ ખોટી હોય તો તે આલંબન તારક બનતું નથી, પણ મારક બને છે. માટે તીર્થંકર પરમાત્માની શારીરિક મુદ્રાદિનું આલંબન લેતાં અને પિંડસ્થ, પદસ્થ તથા રૂપસ્થ અવસ્થાની ભાવના ભાવતાં સંસારસુખની બુદ્ધિ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. જો વિષય અને ઐશ્વર્યાદિની બુદ્ધિ આવે તો તે ભવ-ભ્રમણનું કારણ બને છે.