________________
૭OO
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર | સર્વે પણ પ્રવૃત્તિઓમાં જો ગુણોનું પરિણમન હોય તો જ તેવા પ્રકારના અનુભવથી આત્માને આનંદ ઉત્પન્ન થાય છે. જેમ કેરીની ખરીદી કરીએ પણ જો તેમાં મધુરરસનો અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય. કોઈ મહાત્મા પુરુષ સાથે પરિચય કરીએ, પરંતુ જો તેઓના જ્ઞાન-ચારિત્ર-તપ આદિ વિશિષ્ટ ગુણોનો આપણને અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય, કોઈ મહાકવિએ સુંદર કાવ્ય બનાવ્યું હોય તે કાવ્યમાં કવિએ ઉપમા-ઉન્મેલા ઈત્યાદિ ઘણા અલંકારો ભર્યા હોય, તથા અક્ષરોનું પદલાલિત્ય ગોઠવ્યું હોય, પરંતુ સાંભળનારા જે શ્રોતા હોય, તેઓને જો શબ્દસંબંધી કંઈ જ્ઞાન જ ન હોય, તો તેવા પ્રકારના શબ્દના જ્ઞાનથી શૂન્ય એવા શ્રોતા જો તે કાવ્ય સાંભળે તો કાવ્યસંબંધી જ્ઞાનગુણ ન હોવાથી તેવા કાવ્યનું શ્રવણ “બહેરા આગળ ગાન”ની જેમ નિરર્થક જ છે. તેમ અનુભવજ્ઞાન વિના ધર્મકરણીનો પણ પારમાર્થિક આનંદ આ જીવને પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રોમાં પણ આવાં અનેક દષ્ટાન્તો સંભળાય છે કે કરોડોની સંખ્યામાં કષ્ટકારી અનુષ્ઠાનો કરીએ તો પણ અનુભવ વિના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
જેમ સારા કુલમાં જન્મેલા બાળકોને માત-પિતા ધર્મ અનુષ્ઠાનો કરાવે અને કુલવાન બાળકો હોવાથી માતા-પિતા કહે તેમ ધર્માનુષ્ઠાનો કરે, પરંતુ તે સંબંધી અનુભવજ્ઞાન ન હોવાથી જેમ કુલવાન બાળકોએ કરેલા અનુષ્ઠાનની યથાર્થ ફળની પ્રાપ્તિ તે કુલવાન બાળકોને થતી નથી તેમ અહીં સમજવું. કુલવાન બાળકોનું દૃષ્ટાન્ત એવું છે કે જ્યાં ધર્માનુષ્ઠાન છે, પરંતુ અનુભવ નથી એટલે નિર્જરાસ્વરૂપ યથાર્થ ફળની પ્રાપ્તિ થતી નથી. હવે એવું દૃષ્ટાન્ત આપે છે કે જ્યાં ધર્માનુષ્ઠાન નથી, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ છે છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ જીવ કરે છે તો અન્તર્મુહૂર્ત માત્રમાં જ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે કુર્માપુત્રાદિ.
કુર્માપુત્ર અને આદિ શબ્દથી ભરત મહારાજા, પૃથ્વીચંદ્ર રાજા, ગુણસાગર, ઈલાચી, ચિલાતીકુમાર ઈત્યાદિ ઉદાહરણો એવાં છે કે જ્યાં ધર્માનુષ્ઠાન ખાસ નથી, ધનધાન્યાદિપરિગ્રહનો યોગ છે. કારણ કે લગભગ બધા જ ગૃહસ્થ અવસ્થામાં છે. પરિગ્રહનો સંગ હોવાથી તેનાથી પ્રાપ્ત થયેલા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો પણ સંગ ચાલુ છે. તથા તેનો ઉપભોગ પણ ચાલુ જ છે. આમ હોવા છતાં પણ માત્ર એક અંતર્મુહૂર્ત કાલ શુદ્ધ આત્મદશાના અનુભવમાં આ મહાત્માઓ લીન થયા છે. વૈરાગ્ય વાસિત બન્યા છે. નિર્મળ આત્મદશાનું લક્ષ્ય જાગ્યું છે. તેનાથી તે મહાત્માઓને ક્ષપકશ્રેણી કરવા દ્વારા કેવલજ્ઞાન કેવલદર્શનની પ્રાપ્તિ થવાથી સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ છે.