________________
૬૯૮
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર ભાવાનુભવ અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારનો છે. ત્યાં સાંસારિક એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોના અનુભવની સાથે તથા ક્રોધાદિ ચાર કષાયોના અનુભવની સાથે જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ. સારાંશ કે વિભાવદશાની સાથે આ આત્માની જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ અને અરિહંત પરમાત્માના તથા ઉપકારીઓના ગુણોના અનુરાગની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે. જેનાથી સંસારની વૃદ્ધિ થાય એવા પરપદાર્થોના અનુભવની સાથે જે તન્મયતા તે અપ્રશસ્ત ભાવાનુભવ અને ગુણી-ઉપકારી તથા મહાત્મા પુરુષો આદિ આત્મહિતકારક તત્ત્વોના અનુભવની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે.
અપ્રશસ્તભાવાનુભવ સંસારવૃદ્ધિનો હેતુ હોવાથી હેય છે. તેના કરતાં પ્રશસ્તભાવાનુભવ સંવર-નિર્જરાનો હેતુ હોવાથી સારો છે, અર્થાત્ ઉપાદેય છે. છતાં અરિહંત પરમાત્મા આદિ ગુણી પુરુષો પણ આપણા આત્માની અપેક્ષાએ પરદ્રવ્ય છે. તેથી તે આલંબનનો આશ્રય લેતાં લેતાં જ્યારે આ આત્મા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જે અનંત અનંત પર્યાયો છે. તેમાં જ પરિણમન પામવા રૂપ ચિત્ર-વિચિત્ર (ભિન્ન-ભિન્ન વિષયોના) જ્ઞાનના આસ્વાદનની સાથે સ્વતત્ત્વના અનુભવ રૂપે આ આત્માની જે એકતા થવા રૂપ સ્થિરતા છે તે અર્થાત્ સ્વાભાવિક સ્વ સ્વરૂપની પર્યાયપરિણતિના જ્ઞાનની સાથે સર્વથા નિરાલંબન એવી જે એકતા છે તે સર્વોપરિ શુદ્વાનુભવદશા છે. આપણે સર્વોપરિ એવી સ્વાનુભવદશા જ પ્રાપ્ત કરવાની છે પણ જ્યાં સુધી શુદ્ધ અનુભવદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેના ઉપાય રૂપે “પ્રશસ્તાનુભવદશા” આદરણીય છે. માટે તે પ્રશસ્તભાવાનુભવદશાનું વર્ણન કરવાનો આ અવસર છે. હવે પ્રશસ્ત અનુભવદશા ઉપર સાત નયો સમજાવાય છે. (૧) નૈગમનય - આત્માના શુદ્ધાનુભવની ઈચ્છા કરનારને પ્રશસ્ત ભાવાનુભવ કહેવાય
છે. કારણ કે જો ઈચ્છા કરી છે તો લાંબા કાળે પણ તે પામશે, એમ સમજીને ઉપચારે ભાવાનુભવ કહ્યો. સંગ્રહનય :- આત્માના ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે તેવા કારણોના આશ્રયે રહીને યોગ્યતા પ્રાપ્ત કરવામાં જે વર્તે છે પછી તે ઉપયોગપૂર્વક હોય કે ઉપયોગશૂન્ય હોય પણ કારણમાં પ્રવર્તીને યોગ્યતા તરફ જેનું ગમન છે તે સર્વે પ્રશસ્ત
ભાવાનુભવ કહેવાય છે. (૩) વ્યવહારનય - ભાવાનુભવની પ્રાપ્તિનાં જે અસાધારણ કારણો છે એવાં જૈન શાસ્ત્રોનો
અભ્યાસ, નિરંતર વાચના, પૃચ્છના, પરાવર્તનાદિ સંબંધી સ્વાધ્યાય-રસિક થવું તે જીવોમાં આવેલો પ્રશસ્ત ભાવાનુભવ જાણવો.