________________
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
જ્ઞાનસાર
शिवः-निरुपद्रवः, उपचारात् शिवः - रुद्रः भासते । रुद्रस्य गङ्गायुतत्वं विद्याधरत्वे पार्वतीमनोरञ्जनाय विक्रियाकाले वाच्यम् ॥५॥
૫૮૮
વિવેચન :- હવે પછીના ત્રણે શ્લોકોમાં એટલે કે ૫-૬-૭ મા શ્લોકમાં મુનિ મહાત્માને અનુક્રમે મહાદેવની, કૃષ્ણની અને બ્રહ્માની ઉપમા આપવામાં આવે છે તે ઔપચારિક જાણવી. એટલે કે પ્રસિદ્ધ એવી લોકોક્તિમાત્રને અનુસરનારી જાણવી. તે વાર્તા સાચી વાર્તા છે એમ ન સમજવું, કારણ કે તે મહાદેવ કૈલાશ પર્વતમાં રહેલા હોય, ગંગા અને પાર્વતીથી યુક્ત હોય અને બ્રહ્માએ જગતનું સર્જન કર્યું હોય, આમ પ્રસિદ્ધ એવાં તે તે કાર્ય કરવામાં મહાદેવાદિ ઉદ્યમશીલ હોય તેવું વાસ્તવિકપણે નથી. પરંતુ આ લોકકથા માત્ર છે. લોકમાં આવી ઉક્તિ પ્રસિદ્ધ છે. કાવ્યમાં શ્લેષાલંકાર લાવવા માટે કવિની રચેલી આ વાક્યરચના માત્ર છે. પણ આ સાચી બીના બનેલી છે એમ ન જાણવું.
અહીં મુનિમહારાજા એટલે જે તત્ત્વજ્ઞાની આત્મા છે, આત્મતત્ત્વના જ્ઞાનમાં લયલીન છે તેવા મુનિ જાણવા. અધ્યાત્મ એટલે આત્મસ્વરૂપની સાથે એકત્વતા જાણવી. આવા પ્રકારનું જે અધ્યાત્મ તે જ કૈલાશપર્વત સમજવો. કૈલાશપર્વત એટલે કે મહાદેવને રહેવાનું એકસ્થાન. અધ્યાત્મરૂપી કૈલાશપર્વત ઉપર રહેલા આ મુનિ મહાદેવ તુલ્ય છે. જેમ મહાદેવ કૈલાશ પર્વત ઉપર વસે છે તેમ આ મુનિ નિરંતર અધ્યાત્મજ્ઞાનમાં પ્રવૃત્તિશીલ છે.
વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો તે, આ વિવેક એ જ વૃષભ એટલે બળદ (પોઠીયો) સમજવો, તેના ઉપર બેઠેલા એટલે કે જેમ મહાદેવ વૃષભ ઉપર બેઠેલા છે તેમ આ મુનિ વિવેકરૂપી વૃષભ ઉપર બિરાજમાન છે તથા વિરતિ એટલે સર્વત્યાગવાળી ચારિત્રની કલા અર્થાત્ સર્વથા આશ્રવોનો ત્યાગ, જ્ઞપ્તિ એટલે જ્ઞાનકલા અર્થાત્ નિરંતર આત્મતત્ત્વના જ્ઞાનમય શુદ્ઘ ઉપયોગમાં પ્રવર્તવું, આ વિરતિ અને જ્ઞપ્તિ એ જ બે જાણે ગંગા અને પાર્વતી (ગૌરી) હોય તેમ જાણવું, આવા પ્રકારની વિરતિ-જ્ઞપ્તિ રૂપી ગંગાગૌરીથી યુક્ત એવા આ મુનિ શિવસ્વરૂપ છે. મુનિના પક્ષમાં શિવનો અર્થ નિરુપદ્રવતાવાળા છે, મોહના ઉપદ્રવ વિનાના છે, શુદ્ધ-બુદ્ધ છે અને મહાદેવના પક્ષમાં શિવ એટલે રુદ્ર અર્થાત્ મહાદેવ છે. આમ ઉપમા ઘટાવવી. સારાંશ કે મહાદેવ જેમ ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીથી સહિત છે તેમ મુનિ પણ વિરતિકલા અને જ્ઞાનકલા રૂપી બે સ્રીઓથી યુક્ત છે અને તેના કારણે મહાદેવની જેમ શોભે છે.