________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૦૭
તેમાં પણ નૈગમનય દૂરતર કારણને, સંગ્રહનય દૂરકારણને, વ્યવહારનય નિકટકારણને અને ઋજુસૂત્રનય નિકટતમકારણને વિદ્યારૂપે સ્વીકારે છે. જ્યારે પાછલા ત્રણે નયો કાર્યાત્મક વિદ્યાને વિદ્યા માને છે અને તે પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ કાર્યને સ્વીકારે છે. આ વાતનું ધ્યાન રાખીને નયો આ પ્રમાણે છે.
(૧) નૈગમનય - મતિ-શ્રુત આદિ જ્ઞાનોના ક્ષયોપશમમાં નિમિત્તભૂત બનનારી એવી ચક્ષુ આદિ ઈન્દ્રિયો વગેરેને વિદ્યા માને છે. તેથી જ કોઈની ઈન્દ્રિયોનો ઘાત કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ બંધાય છે. કારણ કે ઈન્દ્રિયો એ વિદ્યાપ્રાપ્તિનું કારણ છે.
(૨) સંગ્રહનય - જ્ઞાન એ જીવનો ગુણ હોવાથી વિદ્યાપ્રાપ્તિનું ઈન્દ્રિય કરતાં જીવ પોતે નિકટકારણ છે. કારણ કે ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી છે, પરદ્રવ્ય છે. વિદ્યા એ જીવનો ગુણ છે તેથી જીવમાં સદંશ રૂપે છે આ કારણે ઈન્દ્રિય કરતાં જીવ પ્રધાનપણે કારણ છે. માટે સંગ્રહનયથી સર્વ જીવદ્રવ્યો એ વિદ્યાપ્રાપ્તિનું નિકટકારણ હોવાથી તે જીવો જ વિદ્યા છે.
(૩) વ્યવહારનય - અભ્યાસ કરાતું દ્રવ્યશ્રુત એ વિધા છે. જ્ઞાન એ જીવનો ગુણ અવશ્ય છે, પણ અભ્યાસાદિ દ્વારા જો તેને પ્રગટ કરવામાં ન આવ્યો હોય તો સત્તાગત તે ગુણ એટલો બધો જીવને ઉપકાર કરતો નથી માટે અભ્યાસ કરાતું જે દ્રવ્યશ્રુત તે વિદ્યા છે.
(૪) ઋજુસૂત્રનય - ગુરુજી પાસે વાચના લેવાતી હોય, પૃચ્છા કરાતી હોય, શેષકાલમાં પરિવર્તના કરાતી હોય, આ પ્રમાણે દઢ થયેલી વિદ્યા જીવને વધારે વધારે ઉપકાર કરનારી બને છે. તે માટે વાચનાદિને વિદ્યા કહેવાય એમ ઋજુસૂત્રનય કહે છે.
(૫) શબ્દનય વાચના, પૃચ્છના, પરાવર્તના વગેરે રૂપે સ્વાધ્યાય કરાતો હોય, વિદ્યા પ્રાપ્ત કરાતી હોય, પરંતુ જો તેમાં જીવનો ઉપયોગ ન હોય તો તે આત્મામાં ગુણરૂપે પ્રગટ થતી નથી તે માટે શબ્દનય યથાર્થ ઉપયોગવાળી વિદ્યાને વિદ્યા કહે છે.
-
(૬) સમભિરૂઢનય - કારણ રૂપ વિદ્યા અને તેનાથી પ્રગટ થતી કાર્ય રૂપ વિદ્યા, આ બન્નેના શંકરરૂપે (મિશ્રસ્વરૂપે અથવા અભેદરૂપે) પરિણામ પામેલી જે સવિકલ્પ ચેતના તે વિદ્યા કહેવાય એમ સમભિરૂઢ નય કહે છે.
(૭) એવંભૂતનય - નિર્વિકલ્પ ચેતનાવાળી ક્ષાયોપશમિક ભાવયુક્ત એવી સાધક આત્માની જે અવસ્થા તે એવંભૂતનયથી વિદ્યા કહેવાય છે. સવિકલ્પાવસ્થા કરતાં નિર્વિકલ્પ અવસ્થા વધારે શુદ્ધ અને નિર્મળ છે. તેથી તેને એવંભૂતનયમાં ગણી છે. વાસ્તવિક વિચારીએ તો નિર્વિકલ્પવાળી જે વિદ્યા છે તે જ તાત્ત્વિક છે અને સાધ્યને સિદ્ધ કરી આપનારી પરમપદને