________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૧૫
મારામાં અશુદ્ઘનયોની દૃષ્ટિએ આવેલી છે, કૃત્રિમ છે. કાલાન્તરે જવાવાળી છે. તે દશા મારી પોતાની નથી મોહના ઉદયથી તે દશા આવેલી છે.) હું તો મારા પોતાના શુદ્ધ સ્વરૂપનો જ કર્તા અને શુદ્ધસ્વરૂપનો જ ભોક્તા છું. આવા પ્રકારના સ્વાભાવિક ગુણોના અને પર્યાયોના કર્તા-ભોક્તા આદિ ધર્મોથી યુક્ત (પરદ્રવ્યોના મીલનથી સર્વથા રહિત) એવો હું શુદ્ધ, નિર્મળ, નિરંજન કેવલ આત્મદ્રવ્યમય જ છું. અર્થાત્ તેવા પ્રકારનું શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું. હું જરા પણ મલીન નથી, પરદ્રવ્યોથી મિશ્ર નથી, પરદ્રવ્યો તે મારાં દ્રવ્યો નથી. મોહના ઉદયથી મલીનતા આવેલી છે.
અનન્ત સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવી મારી પોતાની ગુણમયી અનંતી આત્મસંપત્તિની જે સત્તા રહેલી છે. તે સત્તાને જ પ્રગટ કરવામાં હું તો રસિક છું, નિરન્તર અનંત આનંદથી પૂર્ણ ભરેલો પરમાત્મા સ્વરૂપ હું છું. જ્ઞાનાદિ ગુણોની પરમજ્યોતિમય હું છું. હું અલ્પ પણ અજ્ઞાન રૂપ અંધકારમય નથી, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી મારી જ્યોતિ અવરાયેલી છે પણ નષ્ટ થયેલી નથી. તેથી હું અનંત પ્રકાશાત્મક, શુદ્ધ ચેતનામય, નિર્મળ આત્મદ્રવ્ય છું.
તથા જ્ઞાનગુણ એ જ મારો ગુણ છે. બીજું કંઈ પણ મારું નથી. તે જ્ઞાનગુણ કેવો છે ? શુદ્ધ છે, નિર્મળ છે તે ગુણને કોઈ કલુષિત કરી શકતું નથી. સદાકાલ નિર્મળ રહે તેવો આ મારો ગુણ છે. તથા આ ગુણ વાસ્તવિકપણે નિરાવરણ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો જીવને લાગે છે. પરંતુ તેનાથી આ જ્ઞાનગુણ વ્યવહારથી આવૃત થાય છે, પરમાર્થથી આવૃત થતો નથી, જેવો છે તેવો જ સદા રહે છે. તથા ચંદ્ર-સૂર્ય વગેરે સહાયક પદાર્થો વિના સ્વયં પોતે જ પ્રકાશાત્મક છે. તેનાથી વસ્તુનો બોધ કરવામાં ચંદ્ર-સૂર્યની સહાયતા લેવી પડતી નથી. જ્ઞાન સ્વયં પ્રકાશાત્મક જ છે એટલું જ નહીં પરંતુ એકસમયમાત્રમાં જ ત્રણે કાલના, ત્રણે લોકની અંદર રહેલા સર્વે પણ દ્રવ્યો અને તેના સર્વે પણ પર્યાયો, તથા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આદિ અનંત અનંત ધર્મોનો અવબોધ કરનારો એવો આ મારો જ્ઞાનગુણ છે. મારો જ્ઞાનગુણ એ કંઈ સામાન્ય ગુણ નથી, આવા પ્રકારના શુદ્ધ, નિરાવરણ સર્વ ભાવોનો જ્ઞાતા એવા જ્ઞાનગુણનો હું કર્તા-ભોક્તા છું. (સંસારી અનંતજીવો વડે અનંતવાર ભોગવાયેલાં અને સર્વની એંઠતુલ્ય પુદ્ગલભાવોનો હું કર્તા-ભોક્તા નથી). નિરન્તર આવું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનગુણમાં જ રમવું, જ્ઞાનગુણમાં જ એકાગ્ર બનવું એ જ મારા આત્માનું કર્તવ્ય છે. સારાંશ કે -
૧. હું જ્ઞાનગુણનો જ કર્તા છું
૨. જ્ઞાન એ જ મારું કર્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે.
૩. જ્ઞાન નામના કરણથી (સાધનથી) હું યુક્ત છું.
કર્તા
કર્મ
કરણ