________________
૧૦૨
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
શુદ્ધ આત્મ-સ્વરૂપમાં જ વિશ્રાન્તિ કરવા સ્વરૂપે એકાગ્રતા પ્રાપ્ત કરવા રૂપ બીજી સ્થિરતા મેળવવી જોઈએ. તે મેળવીને પોતાના આત્માના જ સમસ્ત ગુણો અને પર્યાયોનું પોતપોતાના કાર્યમાં પ્રવર્તન કરવારૂપ સ્થિરતા પ્રગટ કરીને પોતાના આત્માની સમસ્ત એવી પરિણતિઓનું સંપૂર્ણપણે પરદ્રવ્યોથી નિસંગ બનવારૂપ જે પરમસ્થિરતા છે તેને આ જીવે પ્રગટ કરવી જોઈએ. દર્શનગુણ (શ્રદ્ધાગુણ) અને જ્ઞાનગુણમાં અત્યન્ત સ્થિરતા મેળવીને વિભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાનો સ્વીકાર કરવારૂપ ચારિત્રની વિશ્રાન્તિ મેળવવા દ્વારા આત્માની સમસ્ત પરિણતિઓને પરદ્રવ્યોથી સર્વથા નિઃસંગ બનાવીને આત્માના શુદ્ધ એવા અનંત ગુણોમાં અને અનંત પર્યાયોમાં જ પ્રવર્તાવવી, તેમાં જ રમવું, તેમાં જ જામી જવું. આવી સ્થિરતા આ જીવે મેળવવાની છે. સ્થિરતાની પ્રાપ્તિનો આ જ સાચો ક્રમ છે.
આ કારણથી સમસ્ત પ્રકારની ચંચળતા (અસ્થિરતા)નો ત્યાગ કરીને મન-વચન અને કાયાના સમસ્ત યોગના પ્રકારોની સ્થિરતા પ્રથમ મેળવવા જેવી છે. જ્યાં સુધી મન ચંચળ હોય, જ્યાં ત્યાં ભટકતું હોય, કાયા ચલિત હોય, ત્યાં સુધી ઉપયોગની સ્થિરતા આવવી શક્ય નથી. તેથી પ્રથમ યોગની સ્થિરતા મેળવવા જેવી છે. ત્યારબાદ જ્ઞાનગંગામાં રમણતા કરવારૂપ ઉપયોગની સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. ઉપયોગની સ્થિરતા મેળવવા વડે આત્માના શુદ્ધસ્વરૂપનું જ કર્તૃત્વ, આત્માના શુદ્ધસ્વરૂપમાં જ રમણતા અને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ ભોક્તૃત્વ પ્રાપ્ત કરવા લાયક છે. માટે તેમાં જ સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ પારમાર્થિક સાધ્ય છે. અન્તે આ જ સાધવાનું છે. તેથી આવી યોગ-ઉપયોગાત્મક સ્થિરતા મેળવીને પોતાના જ સ્વરૂપના કર્તૃત્વાદિ ભાવોમાં સ્થિરતા સાધવામાં આત્માર્થી જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. પુદ્ગલના ભાવોમાં તો મોહના ઉદયને કારણે આ જીવ ભવોભવ લયલીન થતો જ આવ્યો છે. તેના જ કારણે કર્મો બાંધીને જન્મ-મરણની પરંપરામાં અટવાતો જ આવ્યો છે. સ્વભાવદશાનું ભાન ભૂલેલા જીવને દુઃખ જ આવે છે. સાંસારિક સુખ પણ ઉપાધિઓવાળું, પરાધીનતાવાળું, વિનાશ પામવાના સ્વભાવવાળું, વિયોગકાલે અતિશય દુઃખકારક જ છે. તેથી સ્વભાવદશાના સુખની તુલના ક્યાંય થાય તેમ નથી. એ જ અવિનાશી, નિરુપાધિક અને સ્વાધીન સુખ છે. તેના માટેનો પ્રયત્ન કરવો એ જ માનવજીવનની સાર્થકતા છે. II૮॥
તૃતીય સ્થિરતાષ્ટક સમાપ્ત