________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૯૫ છે. તત્ = તો સંકલ્પ રૂપ દીપકથી ઉત્પન્ન થયેલા વિકલ્પો રૂપી ધૂમાડા વડે સર્યું. દીપક બે પ્રકારના હોય છે. એક તો કોઈ કોઈ રત્ન જ એવું વિશિષ્ટ હોય કે ચારે બાજુ પ્રકાશ આપે. વર્તમાનકાલમાં ઈલેક્ટ્રીકના દીપક કે જે બહુ પ્રકાશ આપે અને તેમાં ધૂમાડા ન હોય અને બીજો દીપક માટીના કોડીયામાં કરેલો તેલનો દીપક કે જેમાં ઘણા ધૂમાડા હોય, દીવાલ કાળી કાળી થઈ જાય. હવે જો ઘરમાં રત્નનો દીપક અથવા ઈલેક્ટ્રીકનો દીપક મળતો હોય તો દીવાલને કાળી કરે એવા ધૂમાડાવાળો દીપક કોણ રાખે ? તેમ અહીં સ્થિરતા એ રત્નદીપક છે કે જેમાંથી વિકલ્પો (રૂપી ધૂમાડા) થતા નથી. અને અસ્થિરતા રૂપી સંકલ્પ એ કોડીયાનો દીપક છે કે જેમાંથી વિકલ્પોરૂપી ધૂમાડા થયા વિના રહેતા નથી. તેથી રત્નનો દીપક જો ઝળહળતો હોય તો કોડીયાનો દીપક કોણ રાખે ? અર્થાતુ કોઈ રાખે નહીં. તેમ સ્થિરતા પ્રગટી હોય તો અસ્થિરતાની જરૂર નથી.
પરદ્રવ્યના સંબંધવાળી, રાગ-દ્વેષ યુક્ત, અશુદ્ધ આત્મપરિણામાત્મક એવી જે ચંચળતા અસ્થિરતા-રાગદ્વેષપણે મનનું પરદ્રવ્ય પ્રત્યે ભટકવું તે “સંકલ્પ” કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તે વિકલ્પ કહેવાય છે. ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગાત્મક અને અનિષ્ટ વસ્તુ પ્રત્યે અણગમા રૂપ જે અશુદ્ધ આત્મપરિણામ, તે રૂપી જે ચંચળતા-અસ્થિરતા તેને જ સંકલ્પ કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તેને વિકલ્પ કહેવાય છે. જેમ ધૂમાડા દીવાલને કાળી કરે છે અને આંખોને બાળે છે તેમ આ સંકલ્પ-વિકલ્પ આત્માને કાળો (અશુદ્ધ) કરે છે અને મનને બાળે છે, દુઃખી દુઃખી કરે છે. માટે તેને ધૂમાડાની ઉપમા આપી છે. જેમાંથી જરા પણ ધૂમાડા નીકળતા નથી તેવો રત્નનો દીપક જો મળતો હોય તો ધૂમાડાવાળો કોડીયાનો દીપક કોઈ ન રાખે, વર્તમાનકાલમાં ધૂમાડા વિનાના ઈલેક્ટ્રીક દીપક મળે છે તો કોડીયાના દીપક કોઈ રાખતું નથી. તેવી જ રીતે જે મહાત્મા પુરુષના હૃદયમાં આત્માના શુદ્ધસ્વરૂપની સાથે એકાગ્રતા-લયલીનતા થવા રૂપ સ્થિરતાનો દીપક પ્રગટ્યો છે તે મહાત્મા પુરુષને સંકલ્પ અને વિકલ્પરૂપી ધૂમાડાવાળા દીપક સંભવતા નથી.
જેને પોતાના હૃદયમાં આત્મસ્વરૂપની જ લગની લાગી હોય છે તે મહાપુરુષને પરદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિપાત જ થતો નથી. તો પછી તેના સંબંધી પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચારો, તેના ઉપાયોના વિચારો. તેની સફળતા-નિષ્ફળતામાં થતા હર્ષ-શોકાદિ ભાવો. અભિમાન અને લાચારી (ઉદાસીનતા) વગેરે અશુદ્ધ ભાવો (કે જેને ધૂમાડો કહેવાય છે, તે) કેમ થાય ? અંતરાત્મભાવમાં પરિણામ પામેલા મહાત્માને બહિરાત્મભાવના મોહના વિકારોરૂપી ધૂમાડા હોતા નથી.