________________
૮૬
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
જતાં ધારેલી કિંમત ન આવતાં દુઃખ થાય છે. ખોટી ૫૦૦ ની નોટમાં સાચી નોટની બુદ્ધિ થવાથી ગ્રહણ તો કરી, પણ બજારમાં વટાવવા જતાં કંઈ ન મળ્યું ત્યારે ખેદ થાય છે. તેમ અહીં સમજવું. તેથી પીત્તળના ટુકડામાં સુવર્ણની બુદ્ધિથી અને ખોટી નોટમાં સાચી નોટની બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે જેમ દુઃખદાયી જ છે તેમ અહીં પણ પાંચ ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે વિષાદમૂલક જ છે (દુઃખદાયી જ છે). માટે હે વત્સ ! તું સ્થિર થા. અને સુખના સાચા સાધનને જાણ તથા તેને ગ્રહણ કર. ખોટા માર્ગે ભટકીને દુઃખ જ આવવાનું છે.
હે વત્સ ! તારા પોતાના આત્મામાં જ, તારી પોતાની પાસે જ તારા પોતાના આત્માના શુદ્ધ-અનંત-અખંડ ગુણોની સંપત્તિનો ભંડાર છે. પણ તું બહાર ભટકવાનું બંધ કરીને સ્થિર થઈને અંદર નજર કર. બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતર્દ્રષ્ટિવાળો થા, તો આવા પ્રકારની આ તારી સ્થિરતા જ તારી પાસે રહેલો તે ભંડાર જ તને દેખાડશે. અંતર્દ્રષ્ટિ કેળવ્યા વિના આ ભંડાર દેખાય તેમ નથી. આરાધનાના પ્રથમ કાલમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના ગુણો છે અને આત્મા એ ગુણી દ્રવ્ય છે. પણ ગુણો પ્રગટ થયેલા નથી, ગુણો પ્રગટ કરવાના છે માટે ભેદરત્નત્રયીની ઉપાસના કરવાની છે અને ગુણો જ્યારે પ્રગટ થાય છે ત્યાર પછીના કાલમાં ગુણ-ગુણી એકાકાર હોવાથી અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આમ ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આ રીતે ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના કરતાં કરતાં તે બન્નેની એકતા થવા રૂપ જે સ્થિરતાગુણ છે તે ગુણ જ તારી ગુણસંપત્તિના ભંડારને તને બતાવનાર બનશે. ઉપયોગનો વિષય કરાવશે.
આ કારણથી અનાદિ કાળથી ભૂત-પ્રેતની જેમ તને વળગી પડેલો પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખોનો જે આસ્વાદ છે તેના કારણે આવેલી ચંચળતાને (ભૂતાવિષ્ટ ગાંડપણની જેમ) ત્યજીને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંતગુણમય એવા શુદ્ધ આત્મામાં જ લયલીન થા. ત્યાં જ લગની લગાવ. તો આવાં દુઃખ આવશે નહીં. માટે હે વત્સ ! તું આવા શુદ્ધ આત્મભાવમાં જ સ્થિર થા. ॥૧॥
ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । आम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥
ગાથાર્થ :- ખાટા પદાર્થની જેમ અસ્થિરતાથી પરભાવની આસક્તિના વિકારો રૂપી કૂચાઓ વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામી જાય છે. આમ સમજીને હે જીવ ! તું સ્થિર થા. ॥૨॥