________________
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩
૮૩
(૫) સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આમ રત્નત્રયીની સાધના કરવા દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપનું સાધન બને એવી, સાધ્ય સાધવા માટેની જ ઉપયોગાદિ પૂર્વકના અભ્યાસવાળી યોગોની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી. આ વિષયમાં ઉપયોગની, વિધિની અને આશયની શુદ્ધિ છે. માટે સૂક્ષ્મનયથી આ સ્થિરતા કહેવાય છે. સાતમા ગુણઠાણે વર્તતા સાધક અપ્રમત્તમુનિની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી.
(૬) ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં વર્તતા ઉત્તમ મહાત્માઓનું “આત્માના શુદ્ધ સ્વરૂપને સાધવામાં” જે આરોહણ થયું છે, જે ઉંચી ટોચે પહોંચ્યા છે ત્યાંથી ન પડવું અર્થાત્ તે કાલની જે સ્થિરતા તે સમભિરૂઢનયથી સ્થિરતા જાણવી. ક્ષપકશ્રેણીમાં વર્તતા ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા ચૌદપૂર્વધારી, શ્રુતકેવલી અથવા ચૌદ પૂર્વાદિના અભ્યાસ વિનાના પણ ક્ષપકશ્રેણીગત મહાત્માઓ. આ આત્માઓ મુક્તિદશાના અતિશય નિકટતમ કારણરૂપ છે માટે આ સ્થિરતા તે સમભિરૂઢ નયથી સ્થિરતા કહેવાય છે.
(૭) ઘાતીકર્મોના ક્ષયથી પ્રગટ થયેલાં ક્ષાયિકભાવનાં દર્શન જ્ઞાન-ચારિત્ર-અનંતવીર્ય તથા અઘાતી કર્મોના ક્ષયથી થયેલાં અવ્યાબાધસુખ આદિ આત્મિક શુદ્ધ ગુણોમાં આત્માની જે સ્થિરતા કે જ્યાંથી ક્યારે પણ પતન થવાનું નથી એવી જે સ્થિરતા તે એવંભૂત નયની અપેક્ષાએ સ્થિરતા જાણવી. તેરમા-ચૌદમા ગુણસ્થાનકવર્તી મહાપુરુષો તથા મુક્તિગત સિદ્ધભગવંતોની જે સ્થિરતા તે આ નયથી સ્થિરતા જાણવી. આ સ્થિરતા એ જ અન્તિમ સ્થિરતા થઈ.
આ પ્રમાણે આત્માના અનંતગુણાત્મક શુદ્ધસાધ્યને સાધવાને આશ્રયી સાતનયોથી આ સ્થિરતા જણાવી, તે “સ્વભાવદશાને આશ્રયી કહી” એવી જ રીતે કામાન્ય માણસો કામસુખના ઉપભોગમાં સ્થિર થાય, શિકારી શિકારની ક્રિયામાં, પાંચ ઈન્દ્રિયોનાં સુખો ભોગવનારો આત્મા તે તે ઈન્દ્રિયજન્ય સુખના ઉપભોગમાં લયલીન બની જાય તે સઘળી પણ સ્થિરતા કહેવાય છે. પણ તે વિભાવદશામાં સ્થિરતા થઈ એમ જાણવું. જેમ સાધક આત્માઓ સ્વભાવદશાને સાધવામાં ઉત્તરોત્તર અધિક અધિક સ્થિર સમજાવ્યા. તેવી જ રીતે પાપ આચરનારા બહિરાત્માઓ વિભાવદશામાં અધિક અધિક સ્થિર થાય છે. માટે વિભાગ દશામાં પણ સર્વનયોની અપેક્ષાએ સ્થિરતા જોવા મળી શકે છે તે સ્થિરતા તત્ત્વવિકલ (બહિરાત્મ ભાવવાળા) જીવોમાં જાણવી. મોહાન્ય જીવોમાં આવા પ્રકારની વિભાવદશાની સ્થિરતા સમજવી.
જેમ સ્વભાવદશાના સાધક એવા અંતરાત્મા અને પરમાત્મામાં સ્થિરતા હોય છે,