________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
“પ્રથમ આવશ્યક' રૂપ સામાયિક લેવાની વિધિ (સ્થાપનાજીની સન્મુખ જમણો હાથ અવળો (સ્થાપના મુદ્રા) રાખી નવકાર અને પંચિંદિયનો પાઠ કહેવો.)
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથપગ ધોઈ, સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું, જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તકમૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તી અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય બોલવાં. પ્રતિક્રમણ કરવાની મહાન વિધિ દેવ-ગુરૂની સાક્ષીએ કરવાની હોય છે. તેથી તેમનો વિવેક જળવાય તે માટે આખી વિધિ ઉભા ઉભા અને એવી શારીરિક ક્ષમતા ન હોય તો જ બેઠા બેઠા કરવાની છે. અહીં આપેલા બધા જ ચિત્રો તે પ્રમાણે ઉભા અને બેઠાં બતાવ્યા છે તેનો ખ્યાલ રાખવો.
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, - મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પરમ મંગલિક રૂપે આ સુત્રનો ઉલ્લેખ થયેલો છે. પંચ પરમેષ્ઠિ એવા આત્માઓને નમસ્કાર છે. અને સૂત્રના બાકીના પદોમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું ફળ તથા તેનું માહાભ્ય સૂચવ્યું છે. સ્થાપના સ્થાપવા માટે પણ આ સૂત્ર આવશ્યક છે.