________________
ઋણ સ્વીકાર
‘એકલા હાથે તાલી ના પડે' એ ઉક્તિની યથાર્થતા અત્રે સમજાઈ છે. આ શોધ નિબંધની શરૂઆતથી અંત સુધી પહોંચવામાં અનેકાનેક જીવો સહાયક બન્યા છે તે સર્વની હું ખુબ ઋણી છું. જેમનું સમગ્ર જીવન પારદર્શક હતું તેવા “મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠે” દ્વારા આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. પરિણામે આ વિષય પર શોધનિબંધ શક્ય બન્યો. આથી હું ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય દ્વારા ચાલતા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્રની હું ખૂબ આભારી છું.
મારા બંને પરિવારો ધર્મમય છે. સંસારના તડકા - છાયાને પચાવીને જેઓએ ધર્મની આરાધના અને સ્વાધ્યાયને પ્રાણ બનાવી ‘આચરાગંસૂત્ર” તથા ‘દશવૈકાલિક સૂત્ર' નું અનુવાદન તેમજ ‘અનાથી નિગ્રંથ’ જેવા પુસ્તકો પણ લખ્યા તેવા સ્વ. દાદાજી તેમજ પૂ. ફૈબાસ્વામી - બા. બ્ર. પૂ. મુક્તાબાઈ મહાસતીજી (લીંબડી ગોપાલ સંપ્રદાય) જેઓએ ૨૦ વર્ષે દીક્ષા લઈ આજે દીક્ષાપર્યાયનાં પણ ૬૯ વર્ષ સાથે શુદ્ધ આચારધર્મ પાળી રહ્યા છે. સાથે મારા ઉપકારી જેમનું ઋણ તો ક્યારેય ન ચૂકવી શકું તેવા માતૃશ્રી લલિતાબાને કેમ ભૂલી શકું ? જેમણે અમારા બધા ભાઈ-બહેનોમાં સંસ્કારનું સિંચન રેડ્યું છે. તો સ્વસુર પક્ષે મારા સાસુજી પૂ. ભાનુબા તથા સસરાજી પૂ. નગીનદાસ ઘીવાલા પણ ધર્મનાં ખૂબ આરાધક પરિવાર મારા પ્રેરણાસ્ત્રોત છે. તેમના આશીર્વાદ અને પ્રેરણા વગર આ અભ્યાસ અને સંશોધન કાર્ય શક્ય બની શકે નહી. તેમની તથા સર્વ કુટુંબીજનોની હું ખૂબ ઋણી છું.
મારા પતિ ડૉ. નલીન ઘીવાલા (એમ.ડી.) જેઓનો સતત - અવિરત સાથ ૩૦ વર્ષથી મળતો રહ્યો છે. પોતાની અગવડો વેઠીને મને હંમેશા સાથ આપ્યો છે. તેમજ દિકરી - જમાઈ ઋચા તથા પૂર્વિન અમેરીકામાં રહીને પણ મારા ઉત્સાહને વધાર્યો છે. મારો પુત્ર રોહન જે પોતાની મેડીકલ લાઈનના અભ્યાસમાં વ્યસ્ત રહેવા છતાં સતત સહાયક રહીને પ્રેરણા પુરી પાડીને હિંમત વધારી છે તે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આ શોધનિબંધ તૈયાર કરાવનાર મારા માર્ગદર્શક પૂ. ડૉ. પૂર્ણિમાબહેન મહેતા જૈનકેન્દ્રના માનનીય ઈન્ચાર્જ પોતાના કાર્યમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં શોધનિબંધ તૈયાર કરાવવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો. યોગશતક ગ્રંથના પ્રથમ પ્રકરણ ૧ થી ૬નું અક્ષરશઃ અધ્યયન કરાવ્યું. અધ્યાત્માનાં ઉંડાણ સુધી પહોંચવાની કળા તેમની પાસેથી શીખવા મળી. ડૉ. પૂર્ણિમાબહેન માત્ર શોધનિબંધનાં જ નહી પરંતુ મારા જીવનનાં પણ ઘડવૈયા બન્યા. પારંગતમાં શોધનિબંધમાં પણ તેમનું સતત માર્ગદર્શન મળ્યું હતું. તેમને હૃદયથી શત શત પ્રણામ કરું છુ.
-