________________
૨.૪ અર્વાચીન યુગમાં યોગ (ઈ.સ. ૧૫મી સદીથી વર્તમાન સમય)
અર્વાચીન યુગમાં આગમકાળ તેમજ મધ્યકાળમાં પ્રચલિત પરંપરાને ધ્યાનમાં રાખી ‘યોગ’ વિષયની અધિક સ્પષ્ટતાની શરૂઆત થઈ. જૈનાચાર્યો દ્વારા વૈદિક ગ્રંથો પર ટીકા લખવાનું કાર્ય પણ આ સમયમાં શરૂ થયું. આ સમયનાં જૈનયોગ, સાહિત્યનું વિવરણ આ પ્રમાણે છે.
૧૫મી સદીની કૃતિ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' જેના કર્તા મુનિ સુંદરસૂરિજી છે. આ ગ્રંથમાં મુમુક્ષુઓને મમતાનો પરિત્યાગ, કષાય વગેરેનાં નિવારણ તેમજ મનોવિજય થી વૈરાગ્ય પથનાં અનુરાગી બનવા તેમજ સમતા અને સામ્યનું સેવન કરવાનાં ઉપદેશ દ્વારા યોગનું નિરુપણ છે.
આચાર્ય ભાસ્કરનંદી (૧૬મી સદી) એ સંસ્કૃત ભાષામાં ધ્યાનસ્તવ” નામના ગ્રંથની રચના કરી છે. જેમાં ૧૦૦ ગાથા છે. આ કૃતિમાં પોતાના ચિત્તની એકાગ્રતા વિષેનું સુંદર વર્ણન છે.
વિ.સં. ૧૭૬૬ માં ખરતર ગચ્છનાં આચાર્યશ્રી દેવીચન્દ્રજીએ ગુજરાતમાં ધ્યાન દીપિકા' નામના ગ્રંથની રચના કરી. જેમાં ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનાં ભેદ - પ્રભેદ વગેરે પર વિચાર વિસ્તાર છે.
ઈ.સ.ની ૧૬મી સદીમાં કવિ રાજમલ્લ કૃત ‘અધ્યાત્મ કમલ માર્તંડ'માં ૨૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ ચાર પરિચ્છેદમાં વિભક્ત છે. પ્રથમ પરિચ્છેદમાં મોક્ષ તેમજ મોક્ષમાર્ગ, દ્વિતીય પરિચ્છેદમાં દ્રવ્ય સામાન્યનાં લક્ષણ, તૃતીય પરિચ્છેદમાં દ્રવ્ય વિશેષ તથા ચતુર્થ પરિચ્છેદમાં જીવ - અજીવ સાત / નવ પદાર્થોનું નિરુપણ થયેલું છે.
ઈ.સ. ૧૭૯૬માં ભાવવિજયજી કૃત ‘ધ્યાન સ્વરૂપ’ની રચના થઈ. જેમાં મુખ્યત્વે ધ્યાનનું વર્ણન છે.
ઈ.સ. ૧૬-૧૭મી સદીમાં મહોપાધ્યાય યશોવિજયજી આચાર્યનું પદાર્પણ થયું. જેઓએ યોગ વિષયક અનેક ગ્રંથોની રચના કરી અને યોગની ધારા પ્રવાહિત કરી. જેમાં ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘દ્વાત્રિંશત દ્વાત્રિંશિકા (બત્રીસ બત્રીસી)', ‘પાતાંજલ યોગસૂત્ર વૃત્તિ’, ‘યોગવિંશિકા ટીકા’ તથા ‘જ્ઞાનસાર' (અષ્ટક) વગેરે નાના-મોટા લગભગ ૫૦૦ ગ્રંથોની રચના કરી છે. ઉપાધ્યાય યશોવિજયજી પણ આચાર્ય હરિભદ્રસૂરિજી સમાન વિભિન્ન ભારતીય ધર્મ, દર્શન તેમજ યોગ સાધનાની પરંપરાઓનાં પ્રબળ પોષક હતા. તેઓએ પ્રમાણ, પ્રમેય, નય, તર્ક, આચાર, મુક્તિ, યોગ, ભક્તિ વગેરે અનેક વિષયો પર ગ્રંથ રચના કરી છે. તેમની કૃતિઓમાં ખંડન - મંડન અને સમન્વય ત્રણેનો સમાવેશ છે.
16