________________
પ્રકરણ-૧ : જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય
सिध्धाणं णमो किच्चा, संजयाणं च भावओ ।'
સિદ્ધ ભગવંતોને સંયત મહાત્માઓ - યોગી મહાત્માઓને ભાવપૂર્વક નમસ્કાર.
જૈનદર્શન એ વિશેષ જીવન જીવવાની એક રીત છે. ધર્મદૃષ્ટિ ખુલતાં જીવનદર્શનની ક્ષિતિજોનો વિસ્તાર થાય છે. તેનું અનુસરણ કરતાં જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહોંચવાનું શક્ય બની શકે છે.
જૈનદર્શન માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ છે, અનંત છે, શાશ્વત છે. જીવો અર્થાત્ આત્મા અનંતાનંત છે. અનાદિ-અવિનાશી છે. આત્મા સંસારના બંધનોમાંથી સર્વથા મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. ત્યાં સુધી એ ચોર્યાસી લાખ પ્રકારની જીવાયોનિમાં પોતાના કર્મ અનુસાર દેહ ધારણ કર્યા કરે છે. અને પરિભ્રમણ થયા કરે છે. જન્મ જન્માંતરની ગતિ આત્માને પોતાના કર્મના ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને આત્મા જ રાગ-દ્વેષને જીતી મુક્તિનો-મોક્ષનો અધિકારી બને છે. ‘જિન’ અને ‘જૈન' :
‘જિન’ શબ્દ ઉપરથી ‘જૈન’ શબ્દ બનેલો છે. “નિ” ધાતુ પરથી બનેલું ‘જિન’ નામ એ પોતાની ઈન્દ્રિયો જીતનાર, રાગ-દ્વેષ આદિ સર્વ દોષોથી રહિત છે તેવા તીર્થંકર - પરમાત્માનો પર્યાયવાચી શબ્દ છે. - ‘જિન’. અને જિનના ભક્તો જૈન કહેવાય છે. જિન પ્રતિપાદિત ધર્મ જૈનદર્શન કહેવાય છે. જૈનદર્શનનો અતધર્મ, અનેકાંત દર્શન, નિથશાસન, વીતરાગ માર્ગ એવા અનેક નામોથી વ્યવહાર કરવામાં આવે છે. છ દ્રવ્ય, નવ-તત્વ, કર્મવાદ, અનેકાંતવાદ, મોક્ષમાર્ગ વગેરે જૈનદર્શનના પ્રતિપાદ્ય વિષયો છે.
૧.૧ ત્રિપદી
તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીએ વૈશાખ સુદ-૧૧ ના રોજ આજના બિહાર રાજ્યના મધ્યમાં પાવાપુરી નગરીનાં ઉપવનમાં ધર્મતીર્થની સ્થાપના કરી. આ સમયે તેઓએ પોતાના મુખ્ય ૧૧ ગણધરોને ત્રણ વાક્યોમાં ઉપદેશ આપ્યો. આ ત્રણ વાક્યો જૈન વાઙમયમાં ‘ત્રિપદી’ થી પ્રસિધ્ધ છે. જેમાં સંપૂર્ણ તત્વજ્ઞાન સમાવિષ્ટ છે.
વસ્તુ ઉત્પન્ન થાય છે. (ઉત્પત્તિ)
વસ્તુ વિગમ પામે છે. (નાશ)
વસ્તુ ધ્રુવપણે સ્થિર રહે છે. (સ્થિત)
उपन्नइवा
विगमवा
धुवड्वा