________________
વફાદારી, શાસ્ત્ર પ્રત્યે અહોભાવ વગેરે જ્ઞાનપ્રાપ્તિના આંતરિક માર્ગો છે. વાંચવું, ગોખવું, પુનરાવર્તન વગેરે જ્ઞાનપ્રાપ્તિના બાહ્ય માર્ગ છે. આંતરિક માર્ગ હોય તો મળેલો બાહ્ય માર્ગ ફળે. આંતરિક માર્ગ ન હોય તો બાહ્ય માર્ગ ન ફળે. માટે જ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “જે ગ્રંથ ભણીએ એના મૂળ કર્તા અને ટીકાકારના નામની માળાનો જાપ કરવો.” સ્વભૂમિકાયોગ્ય જે કાંઈ જાણવા મળે તે મજબૂત રીતે પકડીએ તે આંતરિક માર્ગ છે.
આપણે ગ્રંથ ભણતા છ મહિના થાય અને ટીકાકારના નામની એક માળા તો ન ગણીએ પરંતુ તેમનું નામ પણ ખબર ન હોય તો તેમના પ્રત્યે અહોભાવ શું જાગે? ૧૪ પૂર્વ વગેરેનું માપ શા માટે બતાવ્યું? જેથી આપણને ગ્રંથકાર ઉપર વિશ્વાસ થાય, બહુમાન જાગે. જે ગ્રંથ ભણીએ તેના કર્તા પ્રત્યે અહોભાવ હોય તો ગ્રન્થના પદાર્થ અને પરમાર્થનું પરિણમન થાય, ક્ષયોપશમ વધે અને ગ્રંથ આઠ મહિનાને બદલે ચાર મહિનામાં ઊંડાણપૂર્વક પૂરો થાય. આપણે અહોભાવથી ગ્રંથકારના નામની માળા ગણીએ તો તેમની સન્મુખ થવાથી તેમની કૃપા વરસે અને જ્ઞાન પરિણમે. માળા ન ગણીએ તો તેમનાથી વિમુખ બનીએ, કૃપાને લાયક ન બનીએ.
તે જ રીતે “ગુરુની તો પાઠ આપવાની ફરજ છે. માટે પાઠ આપે જ ને !” આ વિચાર અહોભાવના અભાવને સૂચવે છે. આ રીતે જે વિચારેલ હોય તે મુજબ બોલે તો કલહ થાય. જે કૃતજ્ઞભાવે પોતાના વિદ્યાગુરુનો કાપ કાઢે - પડિલેહણ કરે તે તેમના પ્રત્યે અહોભાવ દેખાડે છે. અહોભાવ ન હોય, પડિલેહણાદિ ન કરે તો ગ્રંથ લંબાય, સમજાય નહિ, યાદ ન રહે, ક્ષયોપશમ મંદ પડે, માંદા પડીએ, ચાલુ પાઠમાં કોઈ મળવા આવે -આવું પણ બને. અહોભાવથી હૈયું પરિપ્લાવિત નથી. માટે જ્ઞાનનો પાક ઉગતો નથી. રણમાં રહેલી રેતી પ્રકૃતિથી ઉષ્ણ હોય, પાક માટે અયોગ્ય હોય. ચોમાસામાં પણ રણમાં વરસાદ પડે નહિ. કદાચ વરસાદ વરસે તો પણ ખેતી ન થાય.
૪૯૬