________________
• પ્રકાશકીય પ્રવેદન - નાસ્તિકવાદ અને ભોગવાદના ગાઢ અંધકારની સામે સમ્યજ્ઞાનની મશાલના પ્રચાર અને પ્રસાર માટે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ.ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી “દિવ્યદર્શન ટ્રસ્ટની સ્થાપના થઈ. ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યને સમ્યજ્ઞાનની આ જ્વલંત અને જીવંત મશાલનો લાભ મળે તે માટે તેઓશ્રીના મંગલ માર્ગદર્શન મુજબ જૈન શાસ્ત્રો, જૈન શાસ્ત્રોના વિવેચનો-વ્યાખ્યાઓ તથા શાસ્ત્રાનુસારી પુસ્તકોનું પ્રકાશન કાર્ય શરૂ થયું. આ જ મહાયોજનાના એક ભાગ સ્વરૂપે પૂજ્યશ્રીની વૈરાગ્ય નીતરતી કલમે કંડારાયેલ “દિવ્ય દર્શન' સાપ્તાહિકનું કાર્ય વર્ષો સુધી ચાલ્યું. વર્તમાનમાં તારક જિનાજ્ઞા” માસિક પ્રકાશનનો પણ લાભ અમારી સંસ્થાને મળી રહ્યો છે - તે અમારા માટે એક ગૌરવનો વિષય છે.
અમારી જ સંસ્થા તરફથી પૂર્વે પ્રકાશિત થયેલ “સંયમીના કાનમાં', “સંયમીના દિલમાં”, “સંયમીના સપનામાં”, “સંયમીના રોમેરોમમાં અને “સંયમીના વ્યવહારમાં' - આ પાંચ પુસ્તિકાઓનું ચતુર્થ આવૃત્તિરૂપે પ્રકાશન કરતાં અમે આનંદને અનુભવીએ છીએ. પંન્યાસશ્રી યશોવિજયજી ગણીએ પુનઃ સંશોધન-સંમાર્જન-સંવર્ધન અને સંપાદન કરીને આ પાંચેય પુસ્તિકાઓને પ્રસ્તુત એક જ પુસ્તકમાં પૂર્વની પ્રસ્તાવના સાથે આવરી લીધેલ છે. અમને આશા છે કે પ્રત્યેક સંયમી અને મુમુક્ષુઓ આ પ્રકાશનના માધ્યમથી સંયમજીવનની શુદ્ધિને વધુ ઝળહળતી બનાવી વિષમ કાળમાં જૈન શાસન અને જૈન સંઘની તારક જિનાજ્ઞા મુજબ ઉત્કૃષ્ટ રક્ષા-સેવા-પ્રભાવનાઅભ્યદય કરવા કટિબદ્ધ બનશે. પ્રસ્તુત પ્રકાશન અંગે કોઈ પણ સૂચન વિજ્ઞ વાચકવર્ગના મનમાં જાગે તો તે અમારા માટે આવકાર્ય બની રહેશે.
આવા વૈરાગ્યવર્ધક શાસ્ત્રીય પ્રકાશનોનો લાભ અમારી સંસ્થાને મળતો જ રહે અને એના દ્વારા પૂજ્યપાદ સ્વ.ગુરુદેવશ્રીના આશિષ અમોને મળતા જ રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
લિ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી આસો સુદ-૧, વિ.સં.૨૦૬૭ કુમારપાળ વી. શાહ, મયંક શાહ
આદિ ટ્રસ્ટીગણ HD -