________________
નબળા કર્મના ઉદયમાં, નબળા શરીરે, નબળા સંયોગમાં પણ મનને મજબૂત કરીને દઢતાથી આરાધભાવને ટકાવી રાખનાર-જ્વલંત બનાવનાર વધુ ધન્યવાદને પાત્ર બને છે. સનસ્કુમાર રાજર્ષિ આનું ઉત્તમ ઉદાહરણ છે.
પુણ્યના ઉદયમાં કેવળજ્ઞાનને પામનાર જીવો કરતાં ચીકણાં ભારે કર્મના ઉદયમાં કેવળજ્ઞાનને પામનાર ઢગલાબંધ જીવો છે. મેતારક મુનિ, સુકોશલ મુનિ, ગજસુકુમાલ મુનિ, ઢંઢણ મુનિ, ધર્મરુચિ અણગાર, ખંધક મુનિ, અર્ણિકાપુત્ર આચાર્ય, બંધક સૂરિના ૫૦૦ શિષ્યો, ઝાંઝરીયા મુનિ વગેરે આના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
આખું વર્ષ મહેનત કરનાર વિદ્યાર્થી જો પરીક્ષામાં નાસીપાસ થાય તો આખા વર્ષની મહેનત નકામી જાય અને સ્કુલની પરીક્ષામાં નાપાસ થાય. તેમ આજીવન સુધી સંયમપાલન કરવા છતાં છેલ્લે રોગપરિષદમાં હતાશ થઈએ તો આપણે પણ કર્મપરીક્ષામાં નાપાસ થવું પડે.
નબળા સંયોગોમાં દેવું લાચારીથી કરેલ હોય પણ ખાનદાન દેવાદાર સારા દિવસોમાં લેણદારને સામે ચાલીને કે બોલાવીને પ્રસન્નતાપૂર્વક દેવું ચૂકવે છે. તેમ ભૂતકાળમાં આપણે પાપબંધસ્વરૂપ દેવું જાણે-અજાણે, ટાણે-કટાણે, મને-કમને પણ કરેલ છે. જૈનશાસન, સદ્ગુરુ, સમજણ, સંયમ વગેરે મળવાથી આપણે આધ્યાત્મિક શ્રીમંત બન્યા, પાપ કર્મનું દેવું ચૂકવવાને સમર્થ બન્યા છીએ. આવા અવસરે મર્દાનગીપૂર્વક સામે ચાલીને તમામ સ્વકૃત દુષ્કૃત કર્મોને ચૂકવવા માટે થનગનતા રહીએ એમાં જ આપણી સાચી ખાનદાની છે. કદાચ તેવું સત્ત્વ ન હોય અને તેવી ઉત્તમ ભૂમિકાએ આરૂઢ થઈ ન શકાય તો પણ કમ સે કમ પોતાની મેળે ટપકી પડેલ રોગને તો સમતાથી-સહજતાથી, સૌમ્ય ભાવથી સહન કરીને પાપ કર્મનું દેવું ચૂકવવાની મધ્યમ ભૂમિકાએ પણ ન ટકીએ તો તો આપણું સંયમ લજવાય. કનિષ્ઠ ભૂમિકાએ પહોંચી જવાની ભૂલ શું થઈ શકે?
-૩૦૫