________________
કહાન રત્ન સરિતા
૧૯
એને જમાડો ! લોકોને રોટલા મળે નહિ, કામ મળે નહિ માટે તેની સંભાળ રાખો એવી વાત તો કરતા નથી અને આ આત્મા-આત્માની વાત કરો છો.’ એમ જેને તે રુચતું નથી તે એકાંત પાપ બંધ કરે છે.' ઘણી વાતો કરી છે !
એમ શાસ્ત્ર અભ્યાસ છે એમાં ચારે પડખાંથી એકાંત નિર્દોષતા કેમ પોષાય ? અને કેમ થાય ? એ એક જ વિષય છે. એ વીતરાગતાનો દૃષ્ટિકોણ ધ્રુવકાંટો થઈ જવો જોઈએ. એમાં ફેરફાર નહિ. બીજે બધે બાંધછોડ થાય “પણ વીતરાગતાના ધ્યેયમાં, વીતરાગતાની મુખ્યતામાં, વીતરાગતાની પ્રાપ્તિમાં, એમાં ક્યાંય બીજો ફેરફાર હોય શકે નહિ.
(અહીંયા) કહે છે કે, આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે.’ આત્મપ્રાપ્તિ તો અંતરમાં રહેલું જે પરમાત્મતત્ત્વ એ પરમતત્ત્વની સન્મુખ દૃષ્ટિ કરે, એની હયાતી જેની દૃષ્ટિમાં આવે અથવા વસે; વસ્તુ તો વસેલી છે જ (પણ) દૃષ્ટિમાં નથી વસી એટલે એનો સ્વીકાર નથી એમ ગણવામાં આવે છે, પણ જેની દૃષ્ટિમાં વસ્તુની હયાતી વસી એને એનું વેદન આવે છે. દૃષ્ટિમાં એકલી કોરી હયાતી વસતી નથી. દૃષ્ટિમાં જ્યારે હયાતી વસે છે ત્યારે એ વસ્તુની અનંત શક્તિઓનું, અનંત ગુણના રસનું વેદન આવે છે. એ દૃષ્ટિ પડતાં, એ દૃષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે અથવા એને આત્મ અનુભવ થાય છે, એમ કહેવામાં આવે છે. આત્મા પ્રાપ્ત તો છે જ, પણ અહીંયા પ્રાપ્તિ કેમ કહી ? કે, અનુભવમાં આવ્યો ત્યારે એને પ્રાપ્તિ કહી. અનુભવમાં નથી ત્યાં સુધી હોવા છતાં એને પ્રાપ્તિ નથી એમ કહેવામાં આવે છે. એ આત્મપ્રાપ્તિ થવા માટે તો જ્ઞાનાદિ સર્વ ગુણોના પરિણામ અંતર્મુખ થાય છે, એના બદલે જે બહિર્મુખ શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનનો ઉપયોગ રોકે છે, રોકે છે ત્યાં સુધી ઠીક છે પણ રોકે છે તેથી લાભ થાય છે એમ જેને ભાવ આવે છે - અભિપ્રાય થાય છે, એને સીધી ઊંધી માન્યતાનું શલ્ય ઊભું થઈ જાય છે. ઉપયોગ તારો શાસ્ત્ર પ્રત્યે જાય એ એટલો દોષ નથી (કે) જેટલો એ ઉપયોગથી લાભ માનવામાં આવે છે.
જ્ઞાનીને પણ શાસ્ત્ર પર ઉપયોગ જાય છે. આચાર્યો અને ગણધરો પણ શાસ્ત્રની રચના કરે છે, પણ કદી તેઓ એમ કહેતા નથી કે માનતા નથી કે, પરસત્તાવલંબી જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. આ ચિઠ્ઠીમાં સ્પષ્ટ છે.