________________
[પરમાગમસાર-૮૯] રહેતો નથી. જે મલિનતા છે એને ધોઈ નાખવાનો જ પ્રશ્ન છે. (એમાં) પ્રશ્ન ક્યાં છે બીજો ? પણ એ ભાવનું મલિનપણું એને ભાસવું જોઈએ, એને જણાવું જોઈએ, નહિતર (એ) છોડે નહિ. નહિતર એને કોઈ ને કોઈ બહાને મોહ થાય . આ તો (સ્વરૂ૫) નિર્ણયનો રાગ છે ને ! આ તો નિર્ણય થયા પછી આત્મા સંબંધિત છે ને ! આત્માની સાથે આ વિકલ્પ સંબંધ ધરાવે છે ને ! આ ક્યાં બહારના પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવે છે ? કહે છે કે એ પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવતો અશુભરાગ અને કોઈપણ જાતિનો રાગ . પછી ભલે શુદ્ધાત્માના વિકલ્પનો (રાગ હોય પણ જાત તો રાગની છે કે બીજી કોઈ છે ? એનું જે તત્ત્વ છે એ તો બન્નેમાં સામાન્ય છે. એટલે તો તત્ત્વદૃષ્ટિએ એને આસ્રવ કહ્યું, તત્ત્વદષ્ટિએ એને બંધ કહ્યો. એનું તત્ત્વ શું છે ? એનું તત્ત્વ તો એક જ છે, ત્યાં તત્ત્વ બે નથી. એમાં તત્ત્વ બે થતાં નથી, એક જ તત્ત્વ છે.
સરસ મજાના ઠંડા સુગંધિત પાણીથી ન્હાતા હોય એમાં (કોઈ) એમ કહે કે થોડીક વિષ્ટા તમને શું નડે છે ? ક્યાં ઝાઝી છે ? ચમચી ભરીને નાખીએ છીએ. તમે આખા હોજથી નહાવો છો, હવે એમાં એક ચમચીનો શું વાંધો છે ? એક ચમચી એ પણ ભેગા ભેગી ! વિષ્ટા નહિ વિષ્ટાનું માત્ર પાણી જ લ્યો ! વિષ્ટા પણ નહિ, મંદ કરેલું (પાણી). વિષ્ટા તો વળી ઘનિષ્ટ છે આ તો પ્રવાહી કરી નાખ્યું હોય, બોલો ! મંદ કરી નાખ્યું હોય પછી શું વાંધો છે ? મંદમાં પણ તમને શું વાંધો છે ? પણ ભાઈ ! એનો છાંટો ન લેવાય. ચમચી નહિ, એનો છાંટો (પણ) લેવાય નહિ.
એની (રાગની) જાત તો ઓળખવી જોશે કે નહિ ? એ પ્રથમ (સ્વરૂ૫) નિર્ણયમાં જાતિ ઓળખાય છે. નિર્ણય એને કહીએ કે જે સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની જાતિ નક્કી કરે છે, ત્યારે એને નિર્ણય કહેવામાં આવે છે. એની જાત નક્કી કર્યા વિના નિર્ણય થયો છે એ વાત રહેતી નથી. એકવાર એની જાત નક્કી થઈ ગઈ પછી એ આનો (રાગ) છે ને ફલાણો છે ને મંદ છે ને... એનું કોઈ બહાનું (કે) એ વાત સાંભળવાની રહેતી નથી. કોઈ બહાને એ વાત સાંભળવાની રહેતી નથી. એટલે તો એકદમ જોરથી કહે છે કે ભાઈ ! એ ચૂડેલ છે ને ડાકણ છે એ તને ખાઈ જશે.