________________
કહાન રત્ન સરિતા
૧૧૧
આ તો ગુરુદેવ જેવા મહાપુરુષોએ ઘણું મંથન કરીને આ બધું બહાર મૂકેલું છે. ઘણું ઘણું મંથન (કર્યું) એનું આ બધું દોહન છે.
મુમુક્ષુ :- મહાન ઉપકાર છે !
પૂજ્ય ભાઈશ્રી :- હા તો ! એને એકે એક જગ્યાએથી ઉપાડીને ખેંચ્યો છે કે અહીંયા સલવાતો નહિ અને તું અહીંયા સલવાતો નહિ અને અહીંયા પણ સલવાતો નહિ. કોઈ રાગમાં ઠીકપણું માનીશ નહિ. આખરમાં રાગ તે રાગ છે, એની કોઈ કિંમત નથી. ક્યાંય જવા ન દે એને. એવો કોઈ ઉપદેશ છે ! આત્મહિતનો ઉપદેશ ચારેબાજુથી આત્માને અંતરમાં લાવે છે. એવો એ ઉપદેશ છે.
કહે છે કે કોઈપણ રાગમાં વિસામો લેવાં જેવો નથી). સંયોગ-વિયોગ તો રાગનું ફળ છે. ક્ષેત્રનો સંયોગ-વિયોગ એ પણ રાગાદિ ભાવોનું ફળ છે. કોઈ જીવમાં, કોઈ અજીવમાં એટલે કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં વિસામો કરવા જેવો નથી).
આ મુનિઓ એક ક્ષેત્રે નથી રહેતા ને ! કોઈ મુનિ છે એ એક ક્ષેત્રે વિહાર કરીને સ્થિર ન રહે. એની પાછળ શું કારણ ? કે મુનિને કોઈ ક્ષેત્રનો રાગ એવો નથી હોતો કે આ ક્ષેત્ર હવે ઠીક છે. પણ એવું નહિ કે જ્યાં ઘણાં ધર્મી વસતા હોય ત્યાં મુનિ રહે તો સારું, ધર્મ-પ્રભાવના વધે, એવું મુનિને અભિપ્રાયમાં - વિચારમાં નહિ હોય ? જ્યાં ધર્મી જીવો વધારે હોય, ધર્મની ભાવનાવાળા જીવો વધારે હોય, તે સાધર્મીઓને ઉપદેશ, તે સાધર્મીઓનું આત્મહિત થાય અને શાસનના કાર્યોમાં પ્રોત્સાહન અને વૃદ્ધિ થાય, ત્યાં મુનિ સ્થિર થઈને રહે એવું કાંઈ નહિ ? (કહે છે) નહિ. એ મુનિની મર્યાદામાં નથી. મુનિને કોઈ ક્ષેત્રનો, કોઈ બીજાં જીવોનો - દ્રવ્યોનો (રાગ નથી).
પોતાને જ્ઞાન થયું તો પછી, મુનિપણું પછી લ્યે ! પણ પહેલાં કુટુંબવાળાને, કુટુંબીઓને તો જ્ઞાન આપે અને એને તો બધાંયને તારી દે ! એનું તો તરવાનું કામ પૂરું કરી લ્યે, પછી વળી મુનિપણું લે ! (એવું) કાંઈ નહિ. કોઈ દ્રવ્યથી રાગ નથી, કોઈ રાગનો રાગ નથી. (જ્યાં) રાગનો રાગ નથી (ત્યાં) પછી રાગના ફળમાં બહારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે, એના સંયોગ-વિયોગ છે, એની પકડ તો પછી ક્યાંય રહેવાનો સવાલ રહેતો નથી.