________________
(૪) સાંશયિક મિથ્યાત્વઃ
"भगवद्वचनप्रामाण्यसंशय प्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकः" ધર્મપરીક્ષા શ્લોક ૮ તથા તેની ટીકા
ચોથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમાએ વર્ણવેલા તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારનો કે જે સંશયના યોગે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનની પ્રામાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. સમ્યગદષ્ટિ આત્માઓને પણ કોઈ કોઈ વાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા સૂક્ષ્મ અર્થોના વિષયમાં શંકા પેદા થઈ જાય છે. તો તે અશક્ય નથી. અને એટલા માત્રથી જ સમ્યકત્વ ચાલ્યું જાય છે એમ પણ નથી. જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન હોય એટલે તે સૂક્ષ્મ અર્થ સમજાય નહિ અને અમુક વાતો એવી હોય કે જે કેવળ શ્રદ્ધાથી જ માનવી પડે, આવા કારણોના હિસાબે સમ્યગ્દષ્ટિ જીવને પણ કદાચ શંકા પેદા થઈ જાય છે. તો તે નવાઈ પામવા જેવું નથી. આનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ મિથ્યાત્વ મોહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતો નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યગદર્શન પ્રગટતું નથી અને જે જીવોમાં સમ્યકત્વ હોય પણ તે ક્ષાયિક પ્રકારનું ન હોય તે જીવોને મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય ચાલુ જ હોય છે. અને આ પ્રદેશોદયના હિસાબે સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તો પણ તેમને કોઈવાર સૂક્ષ્માર્થના વિષયની શંકા પેદા થઈ જાય છે. પરંતુ તે આત્માઓ પોતાના તે સંશયનો ભગવાનના વચનના પ્રામાણિકપણા પ્રત્યેના જ્ઞાન અને શ્રદ્ધાન વડે સહજમાં ટાળી શકે છે.
શ્રી જિનવચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય પેદા થવો એ જ સાંશયિક મિથ્યાત્વ છે. પોતાની અક્કલ, હોંશિયારી અને સમજશક્તિની ખુમારીમાં ચઢી ગયેલો સમ્યદૃષ્ટિ તે આ મિથ્યાત્વનો સ્વામી બની જાય છે.
દષ્ટિરોગનો એ સ્વભાવ છે કે સદ્અસો વિવેક કરવા દે નહિ, “મારું તે સાચું છે એ ભાવ હોય છે પણ સાચું તે મારું એ ભાવ હોતો નથી.” તત્ત્વની વાતમાં જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી “મધ્યસ્થભાવ” રાખવો જોઈએ.
સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જીવોમાં સંભવ નથી. કારણકે ભગવાનના વચન ઉપર શંકા હોઈ શકે પણ તદ્દન ખોટું છે એવો નિર્ણય આ મિથ્યાત્વવાળાને હોતો નથી. જ્યારે અભવ્યને તો મોક્ષ વિશે શંકા પણ થાય નહિ. તેનો નિર્ણય તો પાકો જ હોય કે મોક્ષ છે જ નહિ.
સમકિત