________________
અને તે જ રસ્તાને સાચો માને છે અને તે જ જ્ઞાનને સાચું માને છે. પણ તે સાચું (સમ્યગ) જ્ઞાન ન હોવાથી મિથ્યાજ્ઞાન હોય છે. અને તે સંસારના ચક્રનું કારણ બને છે. જેમ બીજ માટે માત્ર ખેતર જ જરૂરી નથી પણ તેને માટે પાણી, શુદ્ધ પવન, સૂર્યનો પ્રકાશ પણ જરૂરી છે. જો તે ન મળે તો ભૂમિ ઉપર પડેલું બીજ પણ વિકાસ પામતું નથી. આ જ સિદ્ધાંત ધર્મના વિષયમાં સમજવો જોઈએ. ધર્મને ઉગાડવા માટે આધારભૂમિ આત્મા છે. અને ધર્મ એ બીજ છે. અને તે બીજને નવપલ્લવિત કરનાર રત્નત્રય છે. (સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, અને સમ્યચારિત્ર) ધર્મ આત્માની પોતાની પરિણતિ છે. એટલે કે આત્માનો જે સહજ શુદ્ધ સ્વભાવ છે તે ધર્મ છે. આનું તાત્પર્ય એ થયું કે આત્માના જેટલા ગુણ છે તે બધા તેના ધર્મ છે. એમ તો આત્મામાં અનંત ગુણ છે. તેમાં કોઈ વિરોધ નથી, દરેક ગુણનું અસ્તિત્વ પોતપોતાની અપેક્ષાએ છે, આત્માનાં આ અનંત ગુણને ટૂંકમાં કહેવા હોય તો ‘રત્નત્રય’’ આ એક શબ્દથી કહી શકાય. આ રત્નત્રયમાં અનંત ગુણો પ્રગટ થઈ શકે તેવી શક્તિ છે. જેમ કે ઘરમાં પૈસા આવે તો તેનાથી અનેક વસ્તુઓ અને ભૌતિક સુખના સાધનો પામવાની શક્તિ આવે છે. તે જ રીતે રત્નત્રયમાં આત્માના અનેક ગુણો અને આત્મિક આનંદ પ્રગટ કરવાની શક્તિ છે.
નિશ્ચયદષ્ટિથી ધર્મ કોઈ દેશ, પંથ, સંપ્રદાય કે સ્થાનમાં રહેતા નથી. કોઈ પર પદાર્થમાં ધર્મ માનવો તે અજ્ઞાન છે કેમ કે ધર્મ તો આત્માનો ગુણ છે, સ્વભાવ છે, તે આત્મામાં જ રહે છે. ધર્મ કોઈ પદાર્થનું નામ નથી. તે તો સ્વસ્વરૂપનું ભાવાત્મક અને ઉપયોગાત્મક સ્વરૂપ જ છે. અને ‘રત્નત્રય’” નિશ્ચયદષ્ટિથી આત્માનું ભાવાત્મક અને ઉપયોગાત્મક રૂપ જ છે. માટે ‘‘રત્નત્રય’” શુદ્ધ ધર્મનું રૂપ છે. ધર્મ પણ આત્મામાં છે, મોક્ષ પણ આત્મામાં છે. બહારથી કશું લેવાનું નથી અને જરૂર પણ નથી. ખાલી આ ધર્મ નામની શક્તિ જે આત્માની અંદર દબાયેલી છે તેને “રત્નત્રય”થી બહાર ખેંચવાની છે.
આગળ આપણે “સમ્યગ્દર્શન’’ને સમજવાનું છે, પણ તેના પહેલા સમજી લઈએ કે મિથ્યાત્વ શું છે? કારણ કે શુદ્ધતા બેઉ રીતે આવી શકે છે. એક તો સાચાને અપનાવવાથી અને બીજું ખોટાને ત્યાગવાથી.
તો પહેલા ખોટાને બરાબર સમજી લઈએ.
સમકિત
૭૩