________________
અર્થાત્ જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું, અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર પૂરી શ્રદ્ધા રાખવી. શ્રધ્ધા રાખતાં રાખતાં પણ આત્મા જન્મ, જરા અને મરણથી રહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે.
સમ્યગદર્શન અને તેની શુદ્ધતા
જ્યારે પણ આપણે સમ્યગદર્શન હોવું અને પામવાની વાત કરીએ છીએ ત્યારે એમ જ કહીએ છીએ કે તે શુદ્ધ, નિર્મળ, અને રાગ-દ્વેષ રહિતનું હોવું જોઈએ. અને તેવું જ દર્શન તે સાચા અર્થમાં સમ્યગદર્શન છે. તો શું બધામાં આવા પ્રકારનું શુદ્ધ સમ્યગદર્શન હોઈ શકે?
આ વાતનો ખુલાસો નીચે પ્રમાણે છે.
રાગ અને દ્વેષ રહિત યથાર્થ દર્શન તો ખાલી વીતરાગ પુરુષોને જ હોઈ શકે. ચોથા ગુણસ્થાનકથી લઈને ૧૦મા ગુણસ્થાનક (આત્માની પ્રગતિનું માપ) પર રહેલા આત્માઓ કદાપિ સંપૂર્ણ રાગ દ્વેષથી મુક્ત હોતા નથી. તેઓ છદ્મસ્થ હોય છે, તેથી તે શક્ય નથી. તેઓ હજી સાધક છે અને સાધનાની અવસ્થામાં હોય છે ત્યારે તે સરાગ-અવસ્થામાં જ હોય છે, સાધક એટલા માટે તો સાધના કરે છે કે તે એ રાગદ્વેષથી મુક્ત થઈ શકે. તેથી શુદ્ધ નિર્દોષ સમ્યગદર્શન માત્ર બારમે ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે. પરંતુ પૂર્ણ દોષ રહિત સમ્યગદર્શનની આવશ્યકતા તો છદ્મસ્થ સાધકોને હોય છે, તો આવા સાધકોને નિર્દોષ શુદ્ધ સમ્યગ્રદર્શનનો અભાવ હોય તો તેવા અપૂર્ણ સમ્યગદર્શનની જોડે વ્યક્તિ જ્ઞાન, ચારિત્ર અને સાધના નિર્દોષ રીતે અને સમ્યગ રીતે કેવી રીતે કરી શકે? અથવા તો જોઈએ કે અપૂર્ણ સમ્યગ્રદર્શનની હાજરીમાં જ્ઞાન અને ચારિત્ર તે કઈ રીતે શુદ્ધ અને સમ્યગૂ રીતે બની શકે?
આવી સમસ્યા આપણને શંકામાં મૂકે છે, કારણ કે સાધનાત્મક જીવનમાં પૂર્ણ નિર્દોષ દર્શન હોતું નથી અને તેના અભાવમાં સાધના સભ્ય ગણાય નહીં, આવા વિચારથી આપણે એમ માનતા થઈએ કે જ્યાં સુધી નિર્દોષ સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધના કરવી તે ફળદાયક નથી કારણ કે તેનાથી કંઈ પ્રાપ્ત નહીં થાય.
સૈદ્ધાંતિક દૃષ્ટિથી આનું સમાધાન એમ છે કે એવું માનવું યથાર્થ નથી કે નિર્દોષ અને પૂર્ણ સમ્યગ્દષ્ટિ થવાથી જ જ્ઞાન, ચારિત્ર આદિની સાધના સમ્યમ્ ગણાય. અને તેના પહેલા સાધક જે જ્ઞાન અને ચારિત્ર પાળે તેનાથી તેનો આધ્યાત્મિક વિકાસ ન થાય.
સમકિત