________________
આથી નિશ્ચય-સમ્યગ્દર્શન માટે સર્વપ્રથમ આવશ્યક શરત એ છે કે-આત્માના સ્વરૂપની અનુભૂતિ, શ્રદ્ધા અને તેનો સંપૂર્ણ નિર્ણય.
યોગસારમાં આ વિષય ઉપર સ્પષ્ટ વાત કહી છે કે, સંસારમાં જીવ અને અજીવ એ બે જ મુખ્ય તત્ત્વ છે. જે પણ આ બન્ને સ્વરૂપને જાણે છે તે અજીવને છોડીને જીવ તત્ત્વમાં લય થઈ જાય છે. અને તેનાથી રાગદ્વેષનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે.
આત્મસ્વરૂપનો નિશ્ચયથી અનુભવ ત્યાં સુધી થતો નથી કે જ્યાં સુધી આત્મા અને કર્મોના સંબંધથી જે સાત (કે નવ) તત્ત્વોની સૃષ્ટિ થાય છે, તેના ઉપર અને તેનો બોધ આપનાર દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પર શ્રદ્ધા થતી નથી. કારણ કે પરંપરાથી આ બધા પણ કોઈને કોઈ પ્રકારથી આત્મશ્રદ્ધાનના કારણ છે. આ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન થયા વગર તેમના દ્વારા કહેવાતા પદાર્થોના બોધ ઉપર શ્રદ્ધા થતી નથી. અને આ તત્ત્વો અને પદાર્થોના ઉપર શ્રદ્ધા થયા વગર આત્માની તરફ સન્મુખ, રુચિ, શ્રદ્ધા અને તેની ઓળખ થઈ શકતી નથી. હકીકતમાં દેવ, ગુરુ અને ધર્મ અને તેમાંથી મળતો ૯ તત્ત્વોનો બોધ, તે બધાનું જ્ઞાન અને તેના ઉપર શ્રદ્ધા એટલા માટે જરૂરી છે કારણ કે તે આત્મ-શ્રદ્ધાન અને આત્મજ્ઞાનના નિમિત્ત છે.
આત્મા અને આત્મસ્વરૂપમાં ત્યાં સુધી દઢતાથી શ્રદ્ધા નથી થતી કે જ્યાં સુધી મનુષ્યની પ્રવૃત્તિ બાહામુખી છે. અને અંતરમુખી પ્રવૃત્તિ ત્યારે થાય છે કે જ્યારે તે દરેક પ્રવૃત્તિ રાગાદિભાવ રહિત કરે છે. વીતરાગિતા અને સમતાનો ભાવ રાખે છે. આમ કરવાથી પ્રવૃત્તિમાર્ગથી નિવૃત્તિમાર્ગ તરફ જાય છે. આમ સૌ પ્રથમ આત્માને ખરાબ પ્રવૃત્તિથી હટાવી સારી પ્રવૃત્તિ તરફ લઈ જવાય છે. આવા સમયે તે આત્માનું સમ્યગ્દર્શન સરાગ કે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. આ કરવા માટે તેણે દેવ, ગુરુ, અને ધર્મ અને તેમના બોધની મદદ લેવી પડે છે. તેમના બોધના સહારે જ તે આગળ વધી આત્મા અને તેના ગુણોને જાણે છે અને ઓળખે છે.
સરળ ભાષામાં સમજીએ તો પહેલા વ્યવહાર-સમ્યગ્દર્શનનો ઉપદેશ અપાય છે. અને વ્યવહારની સાથે સાથે નિશ્ચય ઉપર શ્રદ્ધા મૂકવી એનો બોધ અપાય છે. આ દૃષ્ટિથી વ્યવહાર સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ કહેવામાં આવ્યું છે. જેનામાં વ્યવહાર સમ્યગ્દર્શન હોય છે તેને થોડા અંશથી નિશ્ચય સમ્યગ્દર્શન થતું જ હોય છે.
પંચાસ્તિકાયમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ વ્યવહાર સમ્યક્ત્વને શુદ્ધ જીવાસ્તિકાયના રુચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વનું બીજ માનવામાં આવ્યું છે. જેમ જેમ તેમાં રાગ ઘટે છે તેમ તેમ તે વ્યવહારથી નિશ્ચય તરફ આગળ વધે છે, જેમ જેમ નિશ્ચય ઉપર શ્રદ્ધા વધે છે, તેમ તેમ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય વ્યવહારથી નિશ્ચયનું સ્વરૂપ લે છે.
૪૦
સમકિત