________________
આ સમકિત નયસારના ભવમાં પ્રાપ્ત કર્યુ હતું. ત્યાર પછી તેઓ ૨૭ ભવ કરી મુક્ત થયા.
આત્માનો આ અગત્યનો ગુણ સમ્યગ્રદર્શન કેવી રીતે મળે? તેનો શો લાભ? તેને કેવી રીતે ઓળખી શકાય, તેના કેટલા પ્રકાર, જીવનમાં તેની શું ઉપયોગિતા વગેરે વિસ્તૃત ચર્ચા તથા સંદર્ભ સાથે આ નિબંધમાં બતાવવાનો મેં નમ્ર પ્રયત્ન કર્યો છે.
જીવનનું પરમ લક્ષ્ય કોઈપણ ધર્મશ્રદ્ધાળુને જો પૂછીએ કે જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? તો તે ભલે સંસારમાં રહીને સુખ ભોગવતો હશે પણ કહેશે તો એ જ કે આત્માની મુક્તિ અને મોક્ષ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે.
સંસારમાં રહીને પુણ્યના પ્રતાપે ભલે બધું જ સુખ પ્રાપ્ત થાય, દેવલોકમાં પણ ખૂબ જ સુખ મળે પણ તે સમજે છે કે આ બધા જ સુખનો અંત થવાનો છે, ત્યાં પૂર્ણવિરામ આવવાનું છે. એટલે જે સુખ, રાગદ્વેષ વગર અને કોઈના આધારે નથી તેવું કર્મરહિત અવસ્થાવાળું છે તે જ પોતાનું સુખ કહી શકાય. તેમાં કોઈ પરતંત્રતા નથી, પણ તે સ્વતંત્ર છે. એકવાર ભગવાન મહાવીરને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે આ સંસાર શું છે? અને તેનાથી મુક્ત થવાનો કોઈ માર્ગ છે? ભગવંતે ટુંકમાં કહાં કે “રાગ અને દ્વેષ જ સંસારનું મૂળ છે. અને વીતરાગિતા એ મુક્તિનો માર્ગ છે.” આપણા મનમાં જ્યારે જ્યારે રાગદ્વેષની લહેર ઊછળે છે ત્યારે ત્યારે સંસાર જન્મ લે છે. એટલે માનવું પડશે કે બહાર જે દેખાય છે એ સંસાર બંધનકારક કે દુઃખકારક નથી, પણ આત્માના વિકારભાવ કે વિભાવ જ દુઃખકારક કે બંધનકારક છે. સંસાર આત્માની અંદર જ જન્મ લે છે બહારનો સંસાર કારણ નહીં પણ પરિણામ છે. ભગવાન મહાવીરનો દાખલો જોઈએ તો સંસારમાં હતા તો પણ સંસારથી બહાર હતા અને ગોશાલક સંસારની બહાર હતા પણ સંસારથી ભરેલા હતા. આનું કારણ અંદરના ભાવ જ હતા. એક મોટું ચક્ર છે કે અંદરના ભાવ બહારના સંસારનો જન્મ કરાવે અને પછી તે બહારના સંસારમાં અંદર રહીને પાછા એવા જ નવા ભાવ ઉત્પન્ન કરે છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે. કામનાઓ, વાસનાઓ, તૃષ્ણા, રાગ, દ્વેષ, મોહ આદિનું હૃદયમાં રહેવું એ જ સંસાર છે.
“જે ગુણે સે આવ” જે ઇન્દ્રિયજન્ય વિષય છે તે જ સંસાર છે, એટલે કે કામ કે કષાયોની આસક્તિ જ સંસાર છે.
સમકિત