________________
અનુભૂતિ થાય છે. તેના આત્માના પ્રત્યેક પ્રદેશ સહજ સુખરસથી તરબોળ બની જાય છે. જીવ અને શરીર જુદાં છે એ ભેદવિજ્ઞાનની અનુભૂતિ થાય છે. સંસારનાં ધન, વૈભવ, પરિવાર, શરીર આદિ પરભાવોમાં ક્ષણભંગુરતા અને નશ્વરતાનો બોધ થાય છે. તેથી તેનાં મમત્વનાં બંધન ઢીલાં પડે છે.
“સમ્યગ્દષ્ટ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ.'
સમ્યગ્દષ્ટિજીવ પોતાનું કર્તવ્ય સમજીને કુટુંબનું પાલન-પોષણ કરે છે પરંતુ તેમાં કર્તાબુદ્ધિ કે માલિકીભાવ રાખતો નથી. તેની પ્રવૃત્તિમાં પાપભીરુતા હોય છે.
કોઈ એક કુમારિકા જેમ તેના માતાપિતાની સાથે પોતાના ઘરમાં રહે છે. તેનું સગપણ થયું, હજુ લગ્ન થયા નથી. પરંતુ સગપણ થતાં જ તેની વૃત્તિ-ભાવના બદલાઈ જાય છે. જે ઘરમાં તે જન્મી છે, વર્ષોથી રહે છે, તે ઘર હવે તેને માટે પરાયું બની જાય છે. તેનું મમત્વ ઓછું થઈ જાય છે અને પતિના ઘરનું મમત્વ અને મહત્ત્વ વધી જાય છે. બસ તે જ રીતે સમ્યગ્દર્શન થ તાં જીવની અંતરરુચિ બદલાઈ જાય છે. તેને વ્રત-નિયમ-સાધના રુચિકર લાગે છે પરંતુ કોઈ પૂર્વ કર્મોબંધના કારણોથી તે વ્રત આદિ લઈ ન શકતો હોય તો પણ સંસારમાં રહી કર્તવ્ય નિભાવે છે, અને તેની ભાવના ચારિત્ર અંગીકાર કરી જલદીથી મોક્ષરૂપ સ્વઘરે પહોંચી જવાની હોય છે. આવી અવસ્થા ચોથા ગુણસ્થાનકવર્તી જીવોની હોય છે.
પ્રતિદિન સમ્યગ્દર્શનની આરાધના કરનારની દિનચર્યાઃ
સૌથી પ્રથમ સવારે ઊઠતાં જ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું, ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળી પ્રરૂપિત ધર્મ) નો સ્વીકાર કરવો. ચોવીશ તીર્થંકર ભગવંતોની સ્તુતિ, મહાવિદેહક્ષેત્રમાં વિરાજિત ૨૦ વિહરમાન તીર્થંકરોનું નામ સ્મરણ કરવું, નવકારમંત્રનો જાપ કરવો, ચતુર્વિધ સંઘના ઉપકારને યાદ કરવા, જીવાદિ નવતત્ત્વનો અભ્યાસ અને શ્રદ્ધા પુષ્ટ કરવી, યથાસમય સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવા, માંગલિક સાંભળવું અને જિનાગમોનું વાંચન-શ્રવણ કરવું. માતા-પિતા આદિ પૂજયોને પ્રણામ કરવા અને સાધર્મિક પરસ્પર મળે ત્યારે જયજિનેન્દ્ર કહેવું.
" ते धन्ना सुकयत्था ते, सुरा ते वि पंडिया मणुआ ।
सम्मत्तं सिद्धियरं, सिविणो वि न मइलियं जेहिं ॥"
- અષ્ટપાહુડ, (મોક્ષ પાહુડ) ગાથા ૮૯ (પાનું ૫૭૭, લેખકઃ આચાર્ય કુંદકુંદ, લાડમલ શાંતિવીર જૈન દિગંબર મંદિર, મહાવીરજી, (રાજસ્થાન) વર્ષ વી.સં. ૨૪૯૪)
૨૦૪
સમકિત