________________
(૩) નિર્વિચિકિત્સા (ત્રીજું અંગ)
ધર્માચરણના ફળ પ્રતિ શંકા ન રાખવી, સંદેહ ન કરવો તેને “ નિર્વિચિકિત્સા” કહેવાય. હું જે ધર્મક્રિયા કરું છું તેનું ફળ મને મળશે કે નહીં? આ સાધના મારી વ્યર્થ તો નહીં જાય ને? આવા પ્રકારની શંકા રાખવી તે વિચિકિત્સા કહેવાય.
શંકિત હૃદયથી સાધના કરવાવાળી વ્યક્તિ ફળની આશામાં અધીરી થઈ જાય છે. તેના પરિણામે તે સાધનામાં સ્થિર રહી શકતી નથી અને અંતે તેને સફળતા મળતી નથી. સમ્યગદૃષ્ટિના મનમાં દ્રઢ નિશ્ચય હોય છે કે કોઈપણ કરણીનું ફળ હોય છે જ. જે પ્રમાણે કરણી તે પ્રમાણે ફળ એટલે કે આસ્થાથી ઘર્મકરણી કરવી તો તે ફળ આપે જ છે.
અમુક ગ્રંથકાર “નિર્વિચિકિત્સાનો” અર્થ એમ કરે છે કે શરીર સ્વભાવથી જ ગંદુ છે પરંતુ તેની અંદર રત્નત્રય યુક્ત પવિત્ર આત્મા નિવાસ કરે છે. તેથી શરીરના દોષો પ્રતિ ગ્લાનિ-ધૃણા અથ વા જુગુપ્સા ન કરતા તેનામાં નિવાસ કરતા આત્માના સદ્ગણોની પ્રીતિ કરવી તે નિવિચિકિત્સા છે. જે સમ્યગ્દષ્ટિમાં હોય છે.
(૧) પોતાના જ શરીરના મળમૂત્ર, અશુચિ, રોગ આદિ જાણીને રત્નત્રયરૂપ ધર્મપાલન કરવાને બદલે તેના ઉપર ગ્લાનિ કરવી, નફરત કરવી અને પોતાને દીન-હીન અને ધર્માચરણના યોગ્ય ન માનવું તેને વિચિકિત્સા કહેવાય છે. અને આવા પ્રકારની વિચિકિત્સા ન કરવી તે નિર્વિચિકિત્સા કહેવાય જે સમ્યગ્દષ્ટિમાં હોય છે.
(૨) શરીર અશુચિથી ભરેલું છે. પરંતુ તપસ્વી, ત્યાગી, સાધુ-સાધ્વીજી આદિ શરીરથી જ્ઞાન-ધ્યાન તથા તપશ્ચર્યા કરી મહાવ્રત, નિયમ, સંયમનું પાલન કરી રત્નત્રયની સાધના કરે છે. તેઓ શરીરનું ધ્યાન રાખે છે પરંતુ શણગારતા નથી. કારણ કે તેમના માટે શરીર તે મોક્ષસાધના માટે જરૂરી છે. તેમના શરીરને કૃશ, દુર્બળ અને બહારથી ગંદુ જોઈને તેમના તરફ ધૃણા ન કરવી તે સમ્યગૃષ્ટિનું નિર્વિચિકિત્સા લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ ગુણોપાસક હોય છે. તે શરીર અને વેશ તથા બહારના સૌંદર્યને ન જોતાં આત્માના શુદ્ધ ગુણોને જ દેખે છે.
(૩) પોતાનામાં અધિક ગુણો સમજી પોતાની પ્રશંસા કરવી અને બીજામાં ઓછા ગુણો છે તેમ સમજી તેની નિંદા કરવી તેને વિચિકિત્સા કહેવાય છે. આવી વિચિકિત્સા સમ્યગ્દષ્ટિમાં હોતી નથી. તે આ દોષરહિત આત્માના પરિણામને નિર્વિચિકિત્સા કહેવાય છે.
૧૭૪
સમકિત