________________
ક્ષયોપશમ સમકિતને વધારે ઊંડાણમાં સમજીએ તો જેમ પાણીમાં રહેલી માટી ઘણી ખરી નીકળી ગઈ હોય પણ થોડી બાકી હોય એ રીતે જે સ્થિતિ થાય તેને ક્ષાયોપશમ સમકિત કહેવાય. આ સમ્યગ્દર્શનમાં ચલ, મલ અને અગાઢ દોષ હોય છે.
પ્રશ્ન એ થાય છે કે આ ત્રણ સમ્યક્ત્વો ઉપશમ, ક્ષાયિક અને ક્ષયોપશમ તેમનાં જુદાં જુદાં લક્ષણો છે તો તેમનામાં કંઈપણ સમાનતા છે ખરી?
આનું સમાધાન આપતાં કહ્યું છે કે આ ત્રણે સમ્યગ્દર્શનોમાં ભલે અલગ અલગ વિશેષણો હોય પણ ત્રણેમાં યથાર્થ શ્રદ્ધાનરૂપમાં કોઈ જ ફરક હોતો નથી. શ્રદ્ધાની અપેક્ષાથી ત્રણેય સમાન છે. અહીં એક ખૂબ અગત્યની વાત સમજવી જરૂરી છે. ક્ષાયોપશમિકસમ્યક્ત્વની હાજરીમાં જ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકાય છે.
ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કર્મોની પ્રકૃતિઓની મૂળમાંથી ક્ષપણા કરી નાંખવાની શ્રેણી. તેમાં પહેલા દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓની (આમાં અનંતાનુબંધી ચાર જોડે) ક્ષપણા થાય છે. દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા સંપૂર્ણપણે થઈ ગયા પછીથી જ, બાકીની ૨૧ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. આમ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બાકીની ત્રણેય ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિઓની સંપૂર્ણપણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે મોક્ષ સાધવો હોય તે જીવને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રગટાવવા માટે જીવે ક્ષપકશ્રેણી માંડવી જ જોઈએ. ક્ષપકશ્રેણી ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. ક્ષપકશ્રેણી માંડવા માટે જેમ પ્રથમ સંઘયણાદિ સામગ્રી જોઈએ. તેમ ઓછામાં ઓછું ચોથું ગુણસ્થાનક પણ ક્ષપકશ્રેણી માંડવા માટે જોઈએ જ.
પહેલે ગુણસ્થાને રહેલો અનાદિ મિથ્યાટષ્ટિ જીવ, ઔપશમિકસમ્યક્ત્વ અગર મતાંતરે ક્ષાયોપશમિક્સમ્યક્ત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે જ નહિ. કોઈ કોઈ જીવવિશેષ માટે એવું પણ બને છે કે અંતિમ ભવમાં અને અંતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ સમ્યક્ત્વ પામે, ક્ષાયોપશમિકસમ્યક્ત્વને પામે, ક્ષપકશ્રેણી માંડે, ક્ષાયિકસમ્યક્ત્વ પામે, ચારિત્રમોહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાંખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અંતે શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બનીને મોક્ષને પામી જાય. આ બધુંય અંતર્મુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને.
સમકિત
૧૬૫