________________
આભાર “સમકિત” પર આ શોધ નિબંધ તૈયાર કરવામાં મને ઘણાનો સહયોગ તથા આશીર્વાદ મળ્યા છે. તે હું કેમ ભૂલી શકું? મને મારા ઘરના સભ્યોનો સહકાર ખૂબ જ સારો મળ્યો. મારાં મમ્મી અને પપ્પા, મારી ધર્મપત્ની રૂપા, મારાં સંતાનો રવિ, રિષિ અને રિદ્ધિ, અને મારી વહુઓ અને જમાઈ નમ્રતા, ચાંદની અને રાહુલનો આભાર માનું છું. એ વાત સ્વાભાવિક છે કે મારો આ અભ્યાસમાં સમય વધારે જાય તેથી હું મારા ફેમિલીને ઓછો સમય આપી શકું. તે વાત મારા ઘરના દરેક સભ્યએ મંજૂર રાખી અને બનતી દરેક સગવડ કરી આપી. હું એમનો ખૂબ જ આભારી છું. પપ્પા પાસે ખરેખર જ્ઞાનનો ભંડાર છે. બાળપણથી આજ સુધી પપ્પામાં ધર્મસંસ્કાર ખૂબ જ મજબૂત છે. આજે પણ દરરોજ સામાયિક કરે છે. વર્ષો સુધી સંત/સતીજીનાં વ્યાખ્યાન સાંભળ્યાં. આજે ૮૨ વર્ષની ઉંમરે પણ તેમનું વાંચન વિશાળ છે. સંસારમાં રહેવા છતાં જળકમળવત્ નિર્લેપ છે. એ જ વાત મારા માટે દાખલારૂપ છે. આદર્શરૂપ છે. મમ્મીની લાગણી અને વાત્સલ્ય મને દરેક કામમાં સગવડ ઊભી કરી આપે છે. જો સગવડ ઊભી કરી આપનાર ન હોય, બધું બરાબર ગોઠવી આપનાર ન હોય તો પણ કામ સહેલું બનતું નથી. જે યશ મમ્મીના ફાળે જાય છે. મારાં ધર્મપત્ની રૂપા, આ કામમાં મારી પાછળ સપોર્ટ તરીકે ન રહેતા મારી સાથે જ સ્થંભ તરીકે રહ્યાં છે. બન્નેના વિચારો એકસરખા હોવાથી મારી સંસારની લાઈફ અને ધર્મની દિશામાં અમે બન્ને આગળ વધી શક્યા. જો વિચારો જુદા હોય તો આ શકય ન બને. રૂપાનો જન્મ અને ઉછેર પશ્ચિમના દેશમાં થયો હોવા છતાં તેની પણ જૈનધર્મ ઉપર એટલી જ શ્રદ્ધા અને વિશ્વાસ છે. સાથે જાણવાની રુચિ છે. મારા આ કામને તેણે પણ ખૂબ ગમાડ્યું અને જ્યારે જ્યારે હું અટકતો ત્યારે મારો વિશ્વાસ મજબૂત કરાવી મને આગળ વધારતી. સમકિત” ઉપર આ “શોધ નિબંધ” તૈયાર કરવામાં દરિયાપુરી સંપ્રદાયના ૨૮મા આચાર્ય ગુરુભગવંત ગુરુદેવ પરમપૂજ્ય વીરેન્દ્રજીસ્વામીના મને અંતરથી આશીર્વાદ મળ્યા. તેમના આશીર્વાદ મારા ઉત્સાહને ડબલ કરી દીધો. જે બધું બને છે તે ખરેખર ગુરુકૃપાથી જ બને છે. ગુરુદેવનો પુણ્ય પ્રભાવ, સહજતા, સરળતા અને જ્ઞાનની ગરિમા અદ્દભુત છે. જ્યારે ઈન્ડિયા જવાનું થાય
ત્યારે હું ગુરુદેવના દર્શનાર્થે જઉં અને સમકિત સંબંધી ચર્ચા કરી જ્ઞાન મેળવું. સાથે ગુરુદેવ પરમપૂજ્ય પ્રકાશમુનિજી મ.સા. પાસેથી પણ મને સમકિત સંબંધી અનેક પ્રશ્નોનાં સમાધાન મળ્યાં છે. બન્ને ગુરુભગવંતોનો હું ખૂબ જ ઉપકાર માનું છું. સમકિત