________________
તેમાં પણ મોહનીયકર્મ પ્રધાન છે. તેને કર્મરૂપી સેનાનો અધિપતિ કહ્યો છે. જ્યાં સુધી મોહનીયકર્મ બળવાન હોય ત્યાં સુધી બીજા આવરણ પણ બળવાન અને તીવ્ર બનેલા રહે છે. મોહનીયકર્મ જીવને નુકશાન કરનાર બે પ્રકારની શક્તિ ધરાવે છે. ૧. દર્શન (ષ્ટિ)ને વિમૂઢ બનાવે છે. ૨. ચારિત્રને વિકૃત કરે છે.
(૧) પહેલી શક્તિ દર્શન સ્વસ્વરૂપનો નિશ્ચય અને જડ-ચેતનનો વિભાગ અથવા વિવેક કરવા દેતી નથી.
(૨) બીજી શક્તિ વિવેક મળી ગયા પછી પણ તે અનુસાર પ્રવૃત્તિ અને સ્વરૂપ લાભ થવા દેતી નથી.
જૈનશાસ્ત્રમાં મોહની પ્રથમ શક્તિને દર્શનમોહ અને બીજી શક્તિને ચારિત્રમોહ કહ્યો છે. બીજી શકિત પહેલી શક્તિની અનુગામી છે. પહેલી શક્તિ નિર્બળ થવા પર જ બીજી શક્તિ નિર્બળ બને છે. મોહનીયકર્મની આ બંને શક્તિઓ આત્માને નુકશાનકર્તા છે.
ચારિત્રગુણને વિકૃત કરવાવાળી મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ છે. અને દર્શનગુણને મૂર્છિત કરવાવાળી ૭ પ્રકૃતિઓ છે. જેમાંથી ૪ તો ચારિત્રમોહનીય છે. અને બાકીની ત્રણ તે દર્શનમોહનીય છે.
આ સાત પ્રકૃતિઓનું મોહાવરણ લોખંડ જેવું મજબૂત છે. તેને ભેદીને સમ્યક્ત્વ અને ચારિત્રનો પ્રકાશ ઉત્તરોત્તર પ્રાપ્ત કરી શકાય છે.
સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓનું સ્થાનઃ
સમ્યગ્દર્શન ગ્રહણ કરવાની યોગ્યતાને લબ્ધિ કહેવાય છે. ‘લબ્ધિ” શબ્દનો અર્થ “પ્રાપ્તિ’’ થાય છે.
જીવમાં પાંચ પ્રકારના ભાવોની પ્રાપ્તિ થવી તેને પંચલબ્ધિ કહેવાય છે. તે પાંચ પ્રકારના નામ નીચે પ્રમાણે છે.
(૧) ક્ષયોપશમ લબ્ધિઃ જે શક્તિ દ્વારા આત્મા સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થા મેળવીને પોતાનું સાચુંખોટુ, હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણ તથા સુખ-દુઃખનું જે જ્ઞાન કરે તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. આવી યોગ્યતા મનુષ્યમાં આઠ વર્ષની બાલ્ય અવસ્થામાં જ ઉત્પન્ન થઈ જાય છે. માટે જો તે મનુષ્ય ઈચ્છે તો આઠ વર્ષની આયુમાં જ સ્વ-કલ્યાણનો માર્ગ ગ્રહણ કરી શકે છે.
૧૦૦
સમકિત