________________
જ્યારે ફરતા ફરતા આત્માનો કાળ પાકી જાય છે અને સંસાર સમુદ્રનો કિનારો નજીક આવી જાય છે ત્યારે અંતર્મુહૂર્ત માટે દર્શનમોહનીય કર્મનો ઉપશમ થઈ જવાથી ઉપશમ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ થવું તેને ‘આંતરિક’ કારણ કહેવાય છે.
હવે સમ્યગ્દર્શન પ્રગટ થવામાં બાહ્યાનિમિત્ત અનેક હોય છે. કોઈને જૈનધર્મનો ઉપદેશ સાંભળવાથી, કોઈને તીર્થંકરભગવાનનો મહિમા જોઈને, કોઈને દેવોનું ઐશ્વર્ય જોઈને કે કોઈને પૂર્વજન્મનું સ્મરણ થઈને, આમ અનેક પ્રકારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. નારકી વગેરેને પણ ઘણીવાર નરકનું કષ્ટ ભોગવતા સમ્યગ્દર્શન થઈ જાય છે. આમ બાહ્વા કારણો અનેક હોય છે.
આ અંતરંગ અને બાહ્યા કારણોના મળવા પર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ રાતનો દાનો નશો દિવસે ઉતરી જવાથી મનુષ્ય હોશમાં આવે છે. તેવી જ રીતે દર્શનમોહનીયના ઉદયથી જીવમાં એક વિચિત્ર પ્રકારનો નશો છવાયેલો હોય છે. જેના કારણે તેની બુદ્ધિ ભ્રમ મારી ગયેલી હોય છે. પરંતુ જેવો દર્શનમોહનો ઉદય શાંત થાય છે કે તરત જ તેનો બુદ્ધિભ્રમ મટી જાય છે. અને તેની દૃષ્ટિ સમ્યક્ દિશા તરફ થઈ જાય છે.
આ સિવાય કેટલાક આચાર્ય એમ પણ કહે છે. કે શુદ્ધ આત્માની પ્રાપ્તિને રોકવાવાળું દર્શન મોહનીય કર્મ તથા અનંતાનુબંધી કષાયવાળું ચારિત્ર મોહનીય કર્મ છે. આ દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમના થવાથી અને તેની સાથે મતિજ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ થવાથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કે અનુભૂતિ થાય છે.
એક આચાર્ય ભગવંતના મત અનુસાર સમ્યગ્દર્શનના અધિકારી બનવા માટે આત્મામાં નીચે મુજબના અંતરંગ કારણો હોવા જોઈએઃ
(૧) આસન્ન ભવ્યતાઃ જે વ્યક્તિ નિકટભવી છે એટલે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા ભવરૂપિ સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, અને તે જીવને કોઈપણ પ્રકારની રુકાવટ કરવાવાળું કોઈપણ કારણ હવે રહ્યું નથી તે આસન્ન ભવ્ય કહેવાય.
ચારે ગતિયોમાંથી કોઈપણ ગતિવાળો ભવ્ય જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી છે.
(૨) જ્ઞાનાવરણીય આદિ કર્મની હાનિઃ જ્ઞાનાવરણીય, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ, અને દર્શનમોહત્રિક તથા અનંતાનુબંધી કષાય ચતુષ્કના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે જ આત્મા સમ્યગ્દર્શનનો અધિકારી બને છે.
૯૮
સમકિત