________________
આ જ્ઞાન જ્યારે નિર્મળ થાય અને પછી અંતર્શનરૂપી નેત્રો જ્યારે ખૂલી જાય ત્યારે બધું જ દેખાઇ અને સમજાઇ જાય છે. જ્યારે અંતરમાં યથાર્થ તત્ત્વો પ્રતિ તીવ્ર રુચિ જાગૃત થઈ જાય અને સ્વયંની શુદ્ધ સત્તા અને શક્તિ ઉપર અતૂટ આસ્થા જામી જાય, આવા પ્રકારની આંતરિક લાગણી થવા માંડે ત્યારે તે વ્યક્તિ સમજી શકે કે તેને સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ છે.
જડ અને ચેતનનું ભેદવિજ્ઞાન જ સમ્યગ્દર્શનનો મૂળ આધાર છે. આ જ્ઞાન જ આત્માના પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવે છે.
ભણતર એ જુદી ચીજ છે અને જ્ઞાનનું હૈયામાં પરિણમન એ જુદી ચીજ છે. જ્ઞાનનું હૈયામાં પરિણમન થવું જોઈએ. આજે તત્ત્વ જ્ઞાતાઓ ઘણા ઓછા છે, પરંતુ તત્ત્વના જ્ઞાતાઓમાં પણ એવા આત્માઓ તો બહુ જ થોડા છે કે જેઓના હૈયામાં તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમ્યું હોય. જીવ અજીવ આદિ તત્ત્વોના સ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન હૈયામાં જ્યારે સમ્યક્ પ્રકારે પરિણમનને પામે છે ત્યારે જ તે “જ્ઞાન” જ્ઞાનની કોટીમાં ગણાય છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કઠિન છે. પરંતુ અસંભવ નથી. કેમ કે સમ્યગ્દર્શન કોઈ બાહા પદાર્થ નથી, તે આત્માનો પોતાનો ગુણ છે. માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનું એક આવરણ આત્મા ઉપર આવી ગયું છે તેને હટાવતા વાર લાગે તેટલી જ વાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં છે. પછી તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વતઃ થાય છે.
જે વ્યક્તિ પોતાની સાધના દ્વારા મિથ્યાત્વનું આવરણ ભેદી સમ્યગ્દર્શનના પ્રકાશને આવરણ રહિત કરે તે જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે.
સમ્યગ્દર્શન પ્રગટ થવાનું આંતરિક કારણ અને બાહ્યા કારણઃ
સમ્યગ્દર્શનના પ્રગટ થવાનું આંતરિક કારણ દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ છે. મોહનીયકર્મના ભેદોમાં દર્શનમોહનીય કર્મ જ મુખ્યરૂપથી સમ્યગ્દર્શનના ગુણનો ઘાતક છે. જ્યાં સુધી આ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થતો નથી.
સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે અને તે ગુણ દર્શનમોહનીય કર્મના ઉદયથી અનાદિકાળથી મિથ્યારૂપ થઈ ગયો છે. તેનું મિથ્યારૂપ રહેવાથી જીવની રુચિ પણ વિષયભોગ વગેરે સાંસરિક કાર્યમાં જ લાગે છે. અને પોતાનું સાચું અને કાયમી કલ્યાણ થાય તેવા કાર્યો અને તેવા ઉપદેશ આપનારામાં તેની રુચિ રહેતી નથી.
સમકિત
૯૭