________________
૨.૩ઃ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ
હવે એ પણ જાણવું જરૂરી છે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પતિ કેવી રીતે, કયાં કારણોથી અને કયા પ્રકારે થાય છે.
આ અનાદિકાલીન સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અનંત અનંતકાળ સુધી સમ્યગ્દર્શન, બોધિ અથવા શ્રદ્ધાની ઉપલબ્ધિ કે પ્રાપ્તિ અત્યંત દુર્લભ બતાવી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દુર્લભ કેમ છે? આ સબંધમાં જૈનશાસ્ત્રો અને ગ્રંથોમા એક અવાજે કહેલું છે કે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિનો ક્રમ ઘણો જ કઠિન છે. સૌથી પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે ‘સંજ્ઞી પંચેન્દ્રિય’ હોવું જરૂરી છે. ‘સંજ્ઞી પંચેન્દ્રિય’ એટલે મનસહિતનુ પંચેન્દ્રિયપણુ જરૂરી છે. અસંશી એટલે મન વગરના જીવ, તેવા જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી. આપણો જીવ આ સંસારમાં લાંબા કાળ સુધી નિગોદમાં રહ્યો છે. ત્યાંથી નિકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયમાં જાય છે. આ બધી સ્થાવરકાય કહેવાય છે. સ્થાવરપર્યાયમાંથી નિકળીને ત્રસ પર્યાય મેળવવો એટલી દુર્લભ છે, કે જાણે ચિંતામણીરત્ન ને મેળવવા જેવું છે. ત્યાંથી કદાચિત નીકળે તો પણ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉઇન્દ્રિય, રૂપને પ્રાપ્ત કરે છે. ત્યાંથી નીકળી ને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું મહાદુષ્કર, મહાદુર્લભ છે. પુણ્યના યોગથી કદાચ પંચેન્દ્રિય પણું મળી જાય તો પણ તે અસંજ્ઞી પંચેન્દ્રિય બને છે, તેને દ્રવ્યમન ન હોવાથી સ્વપર હિતાહિત યા કર્તવ્ય, અકર્તવ્યને જાણી શકતો નથી.
માનો કે પુણ્ય પ્રબળ થઈ જાય અને સંજ્ઞી પંચેન્દ્રિય બને તો પણ તિર્યંચ યોનિ મળવાથી બિલાડી, સાપ, સિંહ, બને છે. ત્યાં પણ કોઈ સાધ્ય સિદ્ધ થવાનું નથી. સાધારણ રીતે ક્રૂર તિર્યંચને સમ્યક્ત્વ થવું અતી દુર્લભ છે. કેમ કે તેમને પાપનાં પરિણામ નિરંતર રહ્યા કરે છે. તે ક્રૂર તિર્યંચ તીવ્ર અશુભ લેશ્યાના કારણે મરીને નરકગતિના મોટા ખાડામાં પડે છે. જયાં શારીરિક, માનસિક ઘણું દુઃખ છે. ત્યાં કેવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય? નરકથી નિકળીને તિર્યંચ યોનિને પ્રાપ્ત થાય તો પણ પૂર્વવત્ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવા પડે છે. કર્મોનું આવરણ એટલું ગાઢ હોય છે ને કે સમ્યગ્દર્શન તો શું? મામૂલી વિવેકશકિત પણ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ રીતે કર્મોના સંગમાં અતિમૂઢ, દુખિત અને અત્યંત વેદનાયુકત બનેલો પ્રાણી મનુષ્ય સિવાયની યોનિઓમાં વારંવાર જન્મ લઇ ફરી ફરી ત્રાસ પામે છે.
કાળના પરિપાકથી કયારેક મનુષ્યગતિ-નિરોધક કર્મોનો ક્ષય થવાથી જીવ ક્રમશઃ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેના ફળસ્વરૂપ તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. અનુમાન કરો કે મનુષ્યગતિ પ્રાપ્ત કરવી કેટલી મુશ્કેલ છે.
૧ કાર્તિકયાનું પ્રેક્ષા. ગાથા-૨૮૪ થી ૨૮૭
સમકિત
૮૯