________________
૪૭૬
અનુભવ સંજીવની
અને અરુચિવાળાને અઘરું લાગે છે. તે જ પ્રમાણે જેને પુરુષાર્થ ધર્મ ઉગ્ર હોય તે માર્ગને સુગમપણે સહજ સાધે છે, મંદ પુરુષાર્થ હોય તો આગળ વધવામાં પ્રસ્વેદ ઉત્પન્ન થાય છે દરેક ભૂમિકા (ગુણસ્થાન) ના સાધકને લાગુ પડે છે.
આ નિયમ (૧૮૭૪)
આત્મા જ્ઞાન જ્યોત છે. જ્ઞાન વેદન સ્વરૂપે સદાય પ્રગટ છે. પરંતુ વિભાવ રસથી આચ્છાદિત થયેલ છે. ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય તેમ, તથાપિ અગ્નિ વિના ધુમાડો નથી. તેમ વિચારવાન આત્માની હયાતીને સમજે છે. જ્ઞાનીપુરુષ સૌ પ્રથમ વિભાવરસને યથાર્થ પ્રકારે ગાળવાનો ઉપાય દર્શાવે છે. તેવી પારમાર્થિક યોજના જે યોજે તે પરમાર્થ જ્ઞાની છે – વિભાવરસ / રાગરસ યથાર્થ પ્રકારે મંદ પડવાથી મોહ મંદ પડે છે જેથી મોહનો અભાવ થવાનો અવકાશ થાય છે. મોહમંદ પડવાથી જ્ઞાનજ્યોતિ અવભાસે છે અને અભાવ થવાથી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. કેમકે પોતે અનુભૂતિ સ્વરૂપ છે.
(૧૮૭૫)
પરમાર્થ પ્રયોજન વિરુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ અથવા સમજ તે એકાંત છે. તેમ (એકાંત) થવાથી વિપર્યાસ થાય છે. વજન અને મુખ્યતા એવા પ્રકારે રહે છે કે જેથી સાધના-સ્વાનુભવ માટે જીવ અસમર્થ હોય છે. જેમકે `જ્ઞાન પરને જાણતુ નથી' તેવો એકાંત ગ્રહણ કરતાં જ્ઞાનના જાણવાના સામર્થ્યનો અભાવ માનવાનો પ્રસંગ છે, શ્રદ્ધામાં જ્ઞાનની નિર્મળતાનો અસ્વીકાર થાય છે, કે જે નિર્મળતા સ્વચ્છતા પૂર્ણ થતાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે. તથાપિ પરજ્ઞેયને ગૌણ કરી, જ્ઞાનવેદનને આવિર્ભૂત થવા અર્થે તે જ વચનનું સાર્થકપણું પણ છે, સમ્યક્પણું પણ છે. આમ એક જ કથનના અનેક(સમ્યક્ કે મિથ્યા) અર્થો ભાવો થાય છે. જો જીવનું લક્ષ એકમાત્ર આત્મકલ્યાણનું હોય તો ‘અનર્થ’ થતો નથી. નહિ તો અનર્થ થાય છે.
(૧૮૭૬)
જ્ઞાનદશામાં ઉદયની ગૌણતા વર્તે છે. કારણકે ઉદય સ્વપ્નવત્ લાગે છે, વળી જે તે ઉદયનો સ્વરૂપમાં અભાવ લાગે છે, તેથી પણ તેની ગૌણતા થવી સ્વભાવિક છે. અને જ્યાં ઉદય ગૌણ થયો ત્યાં પ્રતિબદ્ધતા કોની સાથે ? જીવ ઉદયમાં અજ્ઞાનભાવે સર્વસ્વ માનતા બંધાય છે. જ્ઞાની – અજ્ઞાનીને આવું સહજ છે. તેમ જાણી મુમુક્ષુજીવે યથાર્થ પ્રકારે ઉદયને ગૌણ કરવાનો પ્રયાસ કર્તવ્ય છે, જેથી અનેક પ્રકારના દોષથી સહજ બચી શકાશે.
(૧૮૭૭)
*
/ આત્મકલ્યાણનો ઉપાય કોને કઠણ લાગે છે કે જેને સંસારમાં મોહ વધુ હોય છે તેને. પણ જેને આત્મકલ્યાણ અને તેથી પૂર્ણ સર્વ અનંતકાળ પર્યંતનું સુખ પ્રાપ્ત થવાનું મૂલ્યાંકન થાય છે તેને અંતરમાંથી સ્વકાર્યનો ઉત્સાહ આવે છે. જેથી કઠણ લાગતું નથી.
(૧૮૭૮)